Western Times News

Gujarati News

8 માસ અને 17 માસના માસુમ કોરોના માં થી સાજા થતાં આપવામાં આવી રજા

મધર્સ ડે ની સાંજે ગોત્રી કોવીડ હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં વ્યાપ્યો આનંદ:

ગાંધીનગર, ગોત્રી ખાતેની વિશેષ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ બાળકોની સારવાર માટે ડો.નિમિષા પંડ્યાના નેતૃત્વમાં એક યુનિટ કાર્યરત છે. આજે મધર્સ ડે ની સંધ્યાએ જ્યારે રોગમુક્ત થયેલા એક 8 માસના દીકરા અને 17 માસની દીકરીને લઇને એમની માતાઓ હરખભેર વિદાય થઈ ત્યારે સહુએ સાચી રીતે આ દિવસ ઉજવ્યાનો આનંદ અનુભવ્યો હતો.કોરોના મુક્ત જાહેર કરવામાં આવેલો 8 માસનો ચબરાક મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડા ની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી.

શિયાના માતાએ આનંદ વ્યક્ત કરવાની સાથે તબીબો અને સ્ટાફનો આભાર માનતા જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી,ભોજનની પણ કાળજી લેવામાં આવી જે બદલ સહુને ધન્યવાદ.  બાળરોગ વિભાગના ડો.ગૌતમ શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં કોરોના ની અસર પામેલા 8 ભૂલકાઓ દાખલ કરવામાં આવ્યા જે પૈકી 6 ને સાજા કરવામાં સફળતા મળી છે.હાલમાં એક સારવાર હેઠળ છે અને એક બાળકનું મરણ થયું છે.

અહીંના બાળરોગ વિભાગમાં ડો.નિમિષા પંડ્યા અને ડો.દિવ્યા દવે તેમજ મદદનીશ પ્રાધ્યાપકો ડો.રિતેશ પરમાર, ડો.લલિત નેઇનીવાલ, ડો. પૂતુન પટેલ અને ડો.ગૌતમ શાહ સહિત નર્સિંગ સ્ટાફ બાળકોની સારવાર અને જીવન રક્ષાનું કામ કરી રહ્યાં છે. દરમિયાનમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આનંદના સમાચાર આપતાં જણાવ્યું છે કે કોવીડ માટેની નવી જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ગાઈડ લાઇન પ્રમાણે આજે ગોત્રી ખાતે થી 4,સયાજીમાં થી 8,આજવા રોડ આઇ.ટી.આઇ.ખાતે થી 13,અને એચ.એસ.આર.ટી.આઇ.ખાતે થી 16 મળીને કુલ 41 કોરોના મુકતો ને રજા આપવામાં આવી છે.ગઇકાલે 52 રોગમુક્ત ને રજા આપવામાં આવી હતી.આમ,કુલ 93 જણ બે દિવસમાં રોગમુક્ત થતાં રિકવરી દર 55 ટકા થયો છે.સારવાર હેઠળના લોકોનો દર 39 ટકા છે જ્યારે મરણ દર 6 ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.