બિરલા ગ્રાસિમ કંપનીના કામદારોનો પગાર મુદ્દે હોબાળો: પગાર નહીં મળે તો ભૂખ હડતાળની ચીમકી
(વિરલ રાણા, ભરૂચ), કોરોના વાયરસ નું સંક્રમણ વધે નહીં તે માટે લોકડાઉન જાહેર થતા મજૂર અને ગરીબવર્ગ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે.ત્યારે વાગરા તાલુકાની વિલાયત ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઈબર પ્લાન્ટના સૌથી વધુ કામદારો પગારની માંગ સાથે કંપની બહાર હોબાળો મચાવ્યો હતો અને પગાર નહીં મળે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.
કોરોના વયારસને લઈને દેશમાં લોકડાઉન જાહેર થતાં ઉદ્યોગો બંધ થઈ ગયા હતા.જેથી લાખો મજૂર વર્ગને ઘરે બેસવાનો વારો આવ્યો હતો.જો કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા અપીલ કરી હતી કે શ્રમિક વર્ગ તેમજ ગરીબોનું વેતન ન કાપી કપરા સમયમાં તેઓનો સહયોગ કરવો.પરંતુ ભરૂચ જીલ્લાની વિલાયત જીઆઈડીસી માં આવેલ ગ્રાસિમ કંપનીના સંચાલક તેમજ કોન્ટ્રાકટર દ્વારા કામદારો સાથે ગેરવ્યવહાર કરી વેતન નહીં આપવાનો નનૈયો ભરવામાં આવ્યો હતો.જેથી ત્રાસેલા કામદારો કંપનીના ગેટ પર આવી વેતન ની ઉગ્ર માંગ કરવા લાગ્યા હતા.રોજ મજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિકો માટે હાલના સમયમાં બે સમયનું ભોજન પણ મુશ્કેલી થી મેળવી શકે છે.ત્યારે પગાર ન મળતા પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ થઈ હતી.કંપની કામદારોનો કંપની સામે જ આક્રોશ ફાટી નીકળ્યો હતો.
એક તરફ કંપની ઠેકેદાર ને પગાર ચૂકવી દીધા ની વાત કહી રહી છે તો બીજી તરફ કોન્ટ્રાકટર કંપની દ્વારા વેતન નહિ ચૂકવાયાનો રાગ આલાપતા સંકલનનો અભાવ અને વડાપ્રધાન મોદીની અપીલની અવગણના દેખાઈ આવે છે.
કંપનીના કામદારો વેતન નહિ મળતાં હવે આંદોલનનો માર્ગ અપનાવવાના મૂડમાં આવી ગયા છે.જો સંપૂર્ણ પગાર નહિ ચૂકવાય તો ભૂખ હડતાળની ચીમકી આપી હતી.કંપની ખાતે હલ્લાબોલ કરનાર તમામ મજૂર સ્થાનિક હોય જો સ્થાનિકો સાથે જ આવી વ્યવહાર થતો હોય તો પરપ્રાંતીય કામદારો ની હાલત શું થતી હશે તે સમજી શકાય છે.
હાલની પરિસ્થિતિ અનુસાર કંપની સંચાલકો તેમજ કોન્ટ્રાકટર ગરીબ મજૂરોને વહેલી તકે વેતન ચૂકવી તેમના અન્ન નો સહારો બને તે જરૂરી બન્યું છે.ત્યારે કંપની ના સત્તધીશો આ સમસ્યા નું હલ ક્યારે કરે છે તે જોવુ રહ્યુ.