વાલોડ ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ ; 99 યુનિટ રક્ત એક્ત્ર કરાયુ
વ્યારા: “કોરોના”ની મહામારી વચ્ચે કોઈ પણ પ્રકારના દર્દીને જરૂરિયાતના સમયે રક્તની અછતનો સામનો ન કરવો પડે, તેવા ઉમદા આશય સાથે વાલોડના સંવેદના ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પનો પ્રારંભ વ્યારાના પ્રાંત અધિકારી શ્રી હિતેશ જોશીએ સ્વયમ રક્તદાન કરીને કરાવ્યો હતો. તેમની સાથે વાલોડના પી.એસ.આઈ. શ્રી પ્રતિક અમિન, મઢી સુગર ફેક્ટરીના શ્રી અલ્પેશ પટેલ સહિતના મહાનુભાવોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી, અન્યોને પ્રેરણા પૂરી પડી હતી.
વાલોડ સ્થિત સ.ગો.હાઈસ્કૂલ ખાતે આયોજિત આ રક્તદાન કેમ્પને શુભકામના પાઠવવા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાલોડના મામલતદાર શ્રી પ્રતિક જાખડ સહિત સંવેદના ટ્રસ્ટનાં સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન 99 યુનિટ રક્ત એક્ત્ર કરાયું હતુ.