ઝઘડીયા GIDCની બ્રિટાનિયા કંપની દ્વારા કામદારોને લોકડાઉનના સમયગાળાનો પગાર નહીં ચૂકવાતા કામદારો દ્વારા હલ્લાબોલ.
કંપની પાસે પગાર ચૂકવવાના પૈસા નહીં હોવાનું જણાવતા કામદારોએ સો સો રૂપિયા ઉઘરાવી કંપનીને રોકડ રકમનો ફાળો આપ્યો હતો.- પગાર બાબતે કામદારો ફરજ પર નહીં આવતા કંપનીનો પ્લાન્ટ બંધ થવાની વકી છે.
(વિરલ રાણા, ભરૂચ), ઝઘડીયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપની દ્વારા પગાર નહીં ચૂકવવા બાબતે કામદારોએ આજરોજ ફરજ પર નહીં જઈ કંપની વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. કંપની દ્વારા તેમની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા કામદારોએ સો સો રૂપિયા ઉઘરાવી કંપનીને ફાળાની રકમ આપી હતી.લોકડાઉનના સમયગાળાનો પગાર નહીં ચૂકવવાની જીદ પર ચડેલી કંપનીનો પ્લાન્ટ બંધ થવાની વકી જણાઈ રહી છે.
સરકાર દ્વારા લોકડાઉનના સમય દરમ્યાનનું વેતન કામદારોને ચૂકવવાની સુચના કંપની સંચાલકોને આપી હતી.સરકારની આ સૂચનાને ઘણી બધી કંપનીઓ નજર અંદાજ કરી રહી છે.જેથી કામદારો અને કંપનીઓ વચ્ચે ઘર્ષણ ઉભું થવાની ઘટનાઓ બની રહી છે.આવી સમસ્યા બ્રિટાનિયા કંપનીના કામદારો સાથે બની રહી છે.
ઝઘડીયા જીઆઈડીસીમાં બ્રિટાનિયા કંપની બિસ્કીટનું ઉત્પાદન કરે છે.કંપનીમાં ઘણા બધા યુવાનો તથા મહિલાઓ કંપનીના અલગ અલગ વિભાગમાં કામ કરે છે.પહેલા લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા દરેક ઉદ્યોગગૃહોને સુચના આપવામાં આવી હતી કે કોઈપણ કામદારનું વેતન કાપવું નહીં તેમ છતાં બ્રિટાનિયા કંપની દ્વારા કામદારોનું વેતન ચુકવવાના સમયે તેમની પાસે પૈસા નથી તેમ કહી હાથ અધ્ધર કરી દીધા છે.૨૩.૩.૨૦ થી ૧૪.૪.૨૦ દરમ્યાનનો પગાર બ્રિટાનિયા કંપનીના કામદારોને નહીં ચૂકવાતા તેઓએ આજરોજ કંપની સામે ધરણા પ્રદર્શન કર્યા હતા.
સોશ્યલ ડિસ્ટન્સના અમલ સાથે કંપનીના મુખ્ય ગેટની સામે જ તેઓ ધરણા પર બેસી ગયા હતા.આ બાબતે કંપનીના કામદારોએએ તેમને પ્રથમ લોકડાઉન ના સમયનો પગાર મળે તેવી માંગ કરી હતી.કંપની દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે પગાર ચૂકવવાના પૈસા નથી.જેથી કંપની પર ઉપસ્થિત કામદારોએ સો સો રૂપિયા ફાળો ઉઘરાવી કંપનીને ફાળાની રકમ દાનમાં આપી હતી.આ બાબતે ઝઘડિયા પોલીસ દ્વારા મધ્યસ્થતા કરવા બાદ પણ મામલો થાળે પડયો નથી અને કંપની કામદારો ફરજથી વિમુખ રહ્યા હતા.કંપની દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાનનો પગાર નહીં ચૂકવવામાં આવે તો કામદારોએ કંપની સામે કાયદેસરની લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
જાણવા મળતી માહિતી પ્રમાણે જો કંપની દ્વારા કામદારોના પગારનો યોગ્ય નિકાલ નહી કરવામાં આવે તો અને કામદારો ફરજ પર નહીં આવે તો પ્લાન બંધ કરવાની નોબત આવે તો નવાઇ નહી.આજરોજ બ્રિટાનિયા કંપની ખાતે બનેલી ઘટના બાબતે કંપનીના એચ.આર હેડ નીનાંત દેસાઈનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ હાલમાં તેઓ મિટિંગમાં હોય થોડો સમય પછી સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું.