ધરમપુરના નવ યુવાનો બન્યા કોરોના વોરીયર્સ
ઝાઝા હાથ રળિયામણાં : દાતાઓ અને સેવાભાવી યુવાઓના સથવારે સેવાયજ્ઞ- સેવાયજ્ઞનું માધ્યમ બન્યું સોશિયલ મીડીયા
– અહેવાલ- પ્રફુલ પટેલ, માહિતી બ્યુરોઃવલસાડઃ કોરાના માહામારીએ આપણા દેશમાં પગપેસારો કર્યો ત્યારથી લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. સમય જતાં લોકડાઉનનો સમયગાળો વધારવો પડયો, આવા સમયગાળામાં ગરીબ વર્ગને બે ટંક ખાવાનું અને જીવનજરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે વલસાડ જિલ્લામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાભાવી દાતાઓ અને વહીવટીતંત્ર દ્વારા કીટોનું વિતરણ કરી પોતાનું ઉત્તરદાયિત્વ અદા કર્યુ છે.
આવું જ સેવા કાર્ય ધરમપુરના યુવાનો દ્વારા કરવામાં આવ્યું. ‘ઝાઝા હાથ રળિયામણાં’, એ કહેવત ધરમપુરના યુવા ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સેવાયજ્ઞ થકી સાર્થક બની છે. કોરાના મહામારીમાં જરૂરીયાતમંદોને સહાયરૂપ બનવા ધરમપુરના માત્ર દશ યુવાઓએ એકત્ર થઇ પોતાના પોકેટ મનીમાંથી સહાયકીટ વિતરણ કરવાનું ચાલુ કર્યુ. વિતરણ અંગેનો નાનકડો વિડીયો બનાવી સોશિયલ મીડીયામાં મૂકયો, તો સામે પ્રતિભાવો મળતા ગયા. અનેક દાતાઓનો સહયોગ સાંપડતો ગયો અને ટીમનું કદ મોટુ થતું ગયું.
યુવા ટીમના દિલ્હાર પટેલ અને ચંદ્રેશ થોરાટ જણાવે છે કે, અમારૂ કોઇ ટ્રસ્ટ નથી. માત્ર યુવાનો ભેગા મળીને સેવાકાર્ય કરવાનો ઉદેશ છે. આ રાહત કીટ માત્ર જરૂરીયાદમંદોને જ મળી રહે તે માટે ધરમપુર તાલુકાના છેવાડાના ગામોના તલાટીનો સંપર્ક કરી એકદમ જરૂરીયાતમંદો અને વિધવા બહેનોનું લીસ્ટ મેળવવામાં આવ્યું અને કીટ પુરી પાડવામાં આવી રહી છે. કીટ વિતરણ સમયે લેવામાં આવતા ફોટો/ વિડીયો કોઇ પ્રચાર પ્રસાર માટે સોશ્યિલ મીડીયામાં નથી મૂકવામાં આવતા, પરંતુ જે દાતાઓ સહયોગ કરે છે તેને પણ ખબર પડે કે જે દાન કે વસ્તુના રૂપમાં આપવામાં આવ્યું છે તે જરૂરીયાતમંદો સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત આ કામગીરીને ધ્યાને લઇ અન્ય દાતા પણ પ્રેરાય તે મુખ્ય ઉદેશ સમાયેલો છે.
સહાયના રૂપમાં રોકડ રકમ જ નહીં પરંતુ જીવનજરૂરીયાતની તમામ ચીજો, શાકભાજી સહિતની વસ્તુ સ્વીકારવામાં આવે છે. રોજે રોજ નવા દાતા સામેથી ચીજ વસ્તુ પુરી પાડી રહયા છે. દાતાઓના ઉત્સાહને જોઇ સેવાયજ્ઞને વધુ વેગવંતો બનાવાયો છે. આજ દિન સુધીમાં ૧૫૨૪ જેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.
ધરમપુરની આ યુવાટીમમાં નવયુવાનો પોતે પગભર નથી, છતાં આ મહામારીમાં પોતાનું યોગદાન સેવાના રૂપમાં આપી રહયા છે. તેથી તો કહેવાય છે. ઝાઝા હાથ રળિયામણાં, નાનું છતાં લોકોને ઉપયોગી બને તેવું આ સેવાકાર્ય ખૂબ જ અભિનંદનને પાત્ર છે.