મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગની પહેલ : ખાનગી શાળાઓને ત્યજી જીલ્લામાં ૬૨૭ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
પ્રતિનિધિ વિરપુર મહિસાગર સરકારી શાળાઓમાં શિક્ષણ સ્તર અને સુવિધાઓમાં સુધારો પણ આવી રહ્યો છે. મોટાભાગે જાગૃત વાલીઓ હાલ ખાનગી શાળામાં પોતાના બાળકો ભણે તેવું લોકો ઈચ્છતા હોય છે, ત્યારે હવે વાલીઓ સરકારી નિશાળમાં પોતાના બાળકને મુકવા માટે આગળ આવે છે તે શિક્ષણ વિભાગ માટે સારી બાબત છે.
સરકારી શાળામાં મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીના માતા પિતા પાસે કોઈ જાતની ફી લેવામાં આવતી નથી તેમજ શાળામાં સારું શિક્ષણ મળે તેવા અને તે પણ લાયકાતવાળા શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવે તેવી વ્યવસ્થા છે.સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે રમત ગમત તેમજ મધ્યાહન ભોજન પણ નિયમિત આપવામાં આવી રહ્યું છે.
ત્યારે મહીસાગર જિલ્લામાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં ધોરણ ૧ માં ૩, ધોરણ ૨ માં ૧૦૫, ધોરણ ૩ માં ૬૮, ધોરણ ૪ માં ૯૪, ધોરણ ૫ માં ૯૩, ધોરણ ૬ માં ૧૦૭, ધોરણ ૭ માં ૯૬ અને ધોરણ ૮ માં ૬૧ મળી કુલ ૬૨૭ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. ૬૨૭ બાળકો જે ખાનગી શાળામા અભ્યાસ કરતા હતા તેવા બાળકો સરકારી નિશાળમાં અભ્યાસ કરવા માટે આવેલ છે. સરકારી નિશાળમાં બાળકોને સારી રીતે પાયાનું જ્ઞાન આપીને તેનું ભવિષ્ય સારું બને તે માટે શિક્ષકો ધ્યાન આપી રહ્યા છે. અને સરકારી નિશાળમાં ભણવાના ફાયદા તેમજ વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓથી તે ખુશ છે સાથે વિદ્યાર્થીઓના માતા પિતા પણ ખુશ છે.*