ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ માતાને કરાવી સલામત પ્રસૂતિ
વડોદરા, ગોત્રી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના ના પડકારોનો તબીબી જ્ઞાન,અનુભવ અને કુશળતા દ્વારા સફળ મુકાબલો કરીને તબીબો,સ્ટાફ નર્સ બહેનો અને સેવક સેવિકાઓ વિષાદ ના વાતાવરણ ને આનંદ ના અવસરમાં પલટી રહ્યા છે.અને ભગવાન પણ જાણે કે તેમના ખંતીલા પ્રયાસો ના મીઠા પરિણામો આપી રહ્યાં છે.આજે આ હોસ્પિટલ ખાતે વધુ એક કોરોના પોઝિટિવ માતાને સિઝેરિયન શસ્ત્રક્રિયા ના આધારે માતા અને નવજાત શિશુ,બંને માટે સલામત પ્રસૂતિ કરાવવામાં કર્મઠ તબીબોની ટીમને સફળતા મળી છે.
કોરોના પોઝિટિવ સગર્ભા સંગીતાબેન ને પ્રસુતિ સાથે સંકળાયેલી જટિલતાઓને લઈને ખાનગી દવાખાનામાં થી અહીં ખસેડવામાં આવ્યા હતા.તેમના કેસને અનુલક્ષીને ટીમે જટિલ પ્રસૂતિ ના પડકારો માટે પૂર્વ તૈયારી કરી લીધી હતી. ડો.નિધિ પંચોલી અને ડો.અનેરી પરીખે સ્પાઈનલ એનેસ્થેસિયા આપીને સગર્ભાની સીઝરિયન શસ્ત્રક્રિયા દ્વારા સલામત અને જીવન રક્ષક બાળ જન્મ કરાવ્યો હતો.આ માતાએ 3.38 કેજી વજન ધરાવતા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો ત્યારે સહુના ચહેરા પર ખુશી અને ભગવાન પ્રત્યેના અહોભાવની લાગણી ફરી વળી હતી.ગોત્રી કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાની શસ્ત્રક્રિયા દ્વારા સલામત પ્રસુતિની આ પ્રથમ ઘટના છે તેમ પ્રવક્તા ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે.આ અગાઉ કોરોના પોઝિટિવ માતાની સફળ કુદરતી સુવાવડ અહીં કરાવવામાં આવી હતી.
એક નવા જીવ ના અવતરણ ના આ ઉમદા કાર્યમાં ઉપરોક્ત તબીબો ને ડો.ધારા અને તેમની એનેસ્થેસિયા ટીમ, ડો.રાજેશ અને સહયોગીઓની પીડિ યાટ્રીકસ ટીમ,સ્ટાફ નર્સ ચંદ્રિકાબેન અને શ્વેતાબેને તથા સેવિકા જયમાસીએ ખૂબ ઉપયોગી સહયોગ આપ્યો હતો.યાદ રહે કે અહીં એક અઠવાડિયામાં કોરોના પોઝિટિવ માતાની સલામત અને માતા તથા નવજાત શિશુની જીવન રક્ષક પ્રસૂતિ બીજીવાર આ સમર્પિત તબીબોએ કરાવી છે.