નાગરિક સંરક્ષણ દળના 350 માનદ સેવકોને અનાજ કીટનું કરવામાં આવ્યું વિતરણ
સેવા કર્મીઓની કોરોના ડયુટી ને બિરદાવવામાં આવી…
વડોદરા, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ પદાધિકારથી નાગરિક સંરક્ષણ દળના નિયંત્રક છે.આજે તેમના હસ્તે હાલની કોરોના કટોકટીમાં લડવૈયા તરીકે પોલીસ દળ અને વહીવટી તંત્રની સાથે રહીને ખડે પગે વિવિધ સેવાઓ આપનારા નાગરિક સંરક્ષણ દળના 350 માનદ સેવકોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ સેવકો પોતાના નોકરી,ધંધા ઉપરાંત સમય કાઢીને દળના સદસ્ય તરીકે સમાજને ઉપયોગી સેવાઓ આપે છે.
લોક ડાઉન ને લીધે તેમને અને તેમના પરિવારોને પણ મુશ્કેલીઓ વેઠવી પડી છે તેમ છતાં, આ લોકોએ નિર્ધારિત સેવાઓ આપી છે. તેને અનુલક્ષીને ફૂડ કમિટીના સહયોગ થી જરૂરિયાત મંદ માનદ સેવકોને સહાયતા રૂપમાં અનાજ કીટ આપવામાં આવી છે. આ વિતરણમાં અધિક કલેકટર અને નાયબ નિયંત્રકશ્રી ગામીત, ફૂડ કમિટીના શ્રીમતી ખ્યાતિ પટેલ અને પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી જોડાયાં હતાં.
અધિક કલેકટરશ્રી ગામીતે જણાવ્યું કે વર્તમાન કોરોના કટોકટીમાં દળના 526 માનદ સેવકોએ ટ્રાફિક પોલીસના સહયોગમાં અને ફૂડ કમિટીના કાર્યોમાં ખૂબ નિષ્ઠા ભર્યો સહયોગ આપ્યો છે. જિલ્લા કલેકટરશ્રી એ એમની આ સેવાઓને બિરદાવી છે.