ખેડા જિલ્લાના બી.પી.એલ.લાભાર્થીઓને અનાજ વિતરણ કરાયુ
લાભાર્થીઓએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે સરકાર અમને મદદરૂપ થઇ છે -શ્રી કાળાભાઇ બારૈયા
નડિયાદ-ખેડા જિલ્લામાં રેશનીંગની ૬૬૬ દુકાનોના એન.એફ.એસ.એ કાર્ડની સંખ્યા-૨,૫૯,૯૬૧(લાભાર્થીની સંખ્યા- ૧૪,૩૩,૨૪૧) તથા નોન એન.એફ.એસ.એ બી.પી.એલ. કાર્ડની સંખ્યા ૯૭૫૦(લાભાર્થીની સંખ્યા-૪૫,૪૬૨)ના લાભાર્થીઓને આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ તથા રેગ્યુલર જથ્થાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તેમ જિલ્લા સપ્લાય અધિકારીશ્રી પટેલએ જણાવ્યું છે. જિલ્લાના લાભ મળવા પાત્ર તમામ લાભાર્થીઓને તેઓના કાર્ડના આધારે તારીખોની ફાળવણી કરી દેવામાં આવી છે જેથી દુકાન ઉપર ભીડ ના થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે. તમામ દુકાનોને જરૂરીયાત મુજબનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે. આમ, જિલ્લાના કુલ ૨,૬૯,૭૧૧(કુલ લાભાર્થીની સંખ્યા-૧૪,૭૮,૭૦૩) કાર્ડ ધારકોને લાભ મળશે.
મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામના શ્રી કાળાભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, હું કડિયા કામ કરી મારી રોજગારી મેળવી રહયો હતો. પરંતુ આ વૈશ્ર્વિક મહામારીમાં લોક ડાઉન હોવાના કારણે અમારા રોજગાર ધંધા બંધ છે. આવી પરિસ્થિતિમાં ઘરના મોભી તરીકે ઘર ચલાવવાની ચિંતા સતાવતી હતી. પરંતુ રાજય સરકારે અમને મદદરૂપ થઇ રેશનીંગના માધ્યમથી અનાજ પુરૂં પાડયું છે જે આજે અમને મળેલ હોઇ અમને ખુબ જ રાહત થઇ છે. હવે અમારા ઘરનો ચૂલો ચાલશે અને અમારું તથા અમારા બાળકોનું પેટ ઠરશે.
જયારે મહેમદાવાદ નગરના શ્રી સોનલબેને જણાવ્યું હતું કે, આ રોગના કારણે લોકોનું બહાર નીકળવાનું બંધ થઇ ગયું છે. વેપાર રોજગાર બંધ હોવાથી અમારા જેવા રોજે રોજ કમાઇને ખાનાર વ્યકિતઓને ખુબ જ તકલીફ અને ચિંતા. પરંતુ અમારી વહારે રાજય સરકાર આવી અને અમને ગત માસની જેમ જ ચાલુ માસે પણ અનાજ પુરૂં પાડયું હોવાથી હવે અમને અમારા કુટુંબનું તેમજ બાળકોના ખાવાની ચિંતા નથી કારણ કે અનાજ ઘરમાં હોવાથી અમે બે ટાઇમ રોટલા ખાઇ શકીશું. સરકારનો ખુબ ખુબ આભાર……