વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એસ.ટી. પરિવહન સેવા શરૂ કરાઇ
બંને જિલ્લામાં ૫૫ શીડ્યુલ અને ૪૫૨ ટ્રીપથી બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું- એસ. ટી.સેવા શરૂ કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા મુસાફરો
વડોદરા, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ લૉકડાઉન-૪માં રાજ્ય સરકારે નાગરિકો માટેની કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં બુધવારથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ માટે એસ.ટી સેવા શરૂ કરવામાં આવી છે. એસ.ટી.વડોદરાના વિભાગીય નિયામક શ્રી આર. ડી. ગલચરે જણાવ્યું છે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં આજથી ૫૫ શીડ્યુલ અને ૪૫૨ ટ્રીપથી એસ.ટી. બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના પાંચ તાલુકામાં ૩૪ શિડ્યુલ અને ૨૯૬ ટ્રીપ તથા છોટાઉદેપુર જિલ્લાના બે તાલુકાઓમાં ૨૧ શીડ્યુલ અને ૧૫૬ ટ્રીપ સહિત કુલ ૫૫ શિડયુલ અને ૪૫૨ ટ્રીપ શરૂ કરવામાં આવી છે. લોક ડાઉન માં વડોદરામાં ફસાયેલા ડભોઇના પ્રેરણા પટેલે જણાવ્યું કે હું છેલ્લા પંચાવન દિવસથી વડોદરામાં ફસાઈ હતી.સરકારે એસ.ટી.સેવા શરૂ કરવાનો જે નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે.તે બદલ હું સરકારનો આભાર માનું છું.અમોને સરકારની ગાઈડ લાઈન મુજબ સ્ક્રીનીંગ કરીને બસમાં બેસાડવામાં આવ્યા છે. આરોગ્ય સેતુ એપ પણ અમારા ફોન માં અમો એ ડાઉન લોડ કરી છે.
શ્રી ગલચરે જણાવ્યું કે દ્વારા જિલ્લા મથકથી તાલુકા અને તાલુકા થી તાલુકા ને સાંકળતી સેવા બને જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતુ કે, મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવશે. મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન શરુ કરવામાં આવ્યું છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે.
તેમને ઉમેર્યું કે ડેપો બસ સ્ટેન્ડ ખાતે માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવા સાથે મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. અને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ સમયે સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.