દહેજ માટે સાસરીયા પરેશાન કરતા માનસિક રીતે તુટી ગયેલી પરણીતાનો આપઘાત
અમદાવાદ, નારોલ-શાહવાડી ખાતે ત્રણ વર્ષ અગાઉ લગ્ન કરીને આવેલી પરિણીતાને દહેજ માટે અવારનવાર પરેશાન કરી માનસિક ત્રાસ આપતાં અને પતિ પણ પરિણીતા સાથે મારઝુડ કરતાંં તેણે આત્મહત્યા કરવાની ઘટના બહાર આવી છે. પરિણીતાએ જીવન ટુંકાવતા એક વર્ષનું બાળક મા વગરનું થયું છે. જ્યારે પરિણીતાના પિતાએ નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પતિ, સાસુ, નણંદ,તથા નણદોઈ વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા તથા ઘરેલું હિંસાની કલમો લગાવી કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રંજનબેન (ર૪) ના લગ્ન ગયા વર્ષે અગાઉ જનતાનગર, શાહવાડી ગામ, નારોલ ખાતે રહેતા કેતન રાજુભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન રંજનબેનને એક વર્ષનો પુત્ર પણ થયો હતો. લગ્નનાં શરૂઆતનાં છ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેમનાં સાસુ ધનીબેન રાજુભાઈ ચૌહાણ, નણંદ સોનલબેન પરમાર તથા નણદોઈ કિરણ પરમાર દહેજ માટે માનસિક રીતે પરેશાન કરતાં હતા. તથા કામની બાબતે પણ વારંવાર ટોકતાં હતા. રંજનબેન આ અંગે પતિ રાજુભાઈને વાત કરતાં તે પણ ધનીબેનનો પક્ષ લઈ અવાર-નવાર તેમની સથે મારઝુડ કરતાં હતા.
આ અંગે રંજનબેને પોતાના પરિવાર સાથે વાત કરતાં તે દિકરીનું પરિવાર ન બગડે એ માટે તેમને સહન કરી લેવાનું સમજાવતાં હતા. તે.મ છતાં સાસરીયાઓ સમજવાને બદલે દિવસે દિવસે રંજનબેન પર ત્રાસ વધારતાં હતા. જેનાં પગલે કેટલાક દિવસો અગાઉ મધરાતે રંજનબેને પોતાનાં બેન ગાયત્રીબેનને મેસેજ કરીને ‘હું મરી જાઉં તો મારા પુત્રને સાચવી લેજા. પતિને મારી લાશ પણ જાવા ન દેવી.’ તેવી વાત કરી હતી. પરંતુ આ મેસેજ ગાયત્રીબેને બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે જાતાં જ રંજનબેનના પિતા મુકેશભાઈ પરમારે (રહે. બોટાદ) તેમની સાસરીમાં સંપર્ક કર્યો હતો.
જ્યાંથી રંજનબેને ગળે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતાં પિતા મુકેશભાઈ તુરંત અમદાવાદની એલ.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં દીકરી બેભાન અવસ્થામાં મળી હતી. તેણીનું આરોગ્ય ખૂબ કથળી જતાં આઠેક દિવસ બાદ રંજનબેનનું મૃત્યું થયું હતું. જેથી મુકેશભાઈએ રંજનબેનના પતિ, સાસુ, નણંદ અને નણદોઈ વિરૂધ્ધ નારોલ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ અંગે ચારેય સામે કાર્યવાહી આદરી છે.