Western Times News

Gujarati News

જવાને વાહનચાલકને રોક્યા બાદ ઈમરજન્સી સાંભળીને બ્લડ ડોનેટ કર્યુ

મણિનગરનાં યુવક જરૂરી બ્લડ મળતું ન હોવાથી રડી પડ્યાં ને…-જવાન પ્રકાશભાઈના માનવતા સભર કાર્યની નોંધ લઈ સન્માન કરાયું
અમદાવાદ, મણિનગર વિસ્તારમાંથી એક વાહનચાલક પસાર થતા હતા ત્યારે તેમને એક ટીઆરબી જવાને ઉભા રાખ્યા ત્યારે ચાલકે જણાવ્યું હતું કે, સાળીને કિડનીની તકલીફ હોવાથી તેમને જરૂરી લોહી આપવા જતાં હતા. પરંતુ બ્લડ બેંકમાં લોહી આપો અને સામે લોહી મળે તેવું જણાવતા તેઓ દુવિધામાં પડી ગયા છે. અને ગળગળા થઈ ગયા હતા. આ બાબતની જાણ ત્યાં રહેલા ટીઆરબી જવાનને થતા તેઓ વાહનચાલકની વહારે આવ્યા અને બ્લડ ડોનેટ કરવા તૈયારી દર્શાવી, એટલું જ નહીં, સ્વેચ્છાએ તેમની સાથે બ્લડ બેંક પર પહોંચીને બ્લડ ડોનેટ કર્યુ હતું. એક જવાનની આ કામગીરીથી ખુશ થઈને લોકોમા ઉદાહરણરૂપ કિસ્સો બને તે હેતુથી ડીસીપીએ તેમનું સન્માન કર્યુ હતું.

અમદાવાદ પોલીસ લોકડાઉન પાલન કરાવવાની સાથે લોકોની સેવા પણ કરી રહી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ટ્રાફિકમાં ફરજ બજાવતા પ્રકાશ પરમારની ડ્યૂટી મણિનગરના ઝઘડિયા બ્રિજ પાસે હતી. તેના જ ભાગરૂપે લોકડાઉન અમલ કરાવવા માટે પ્રકાશ પરમાર વાહનચાલકોને અટકાવીને બહાર નીકળવાનું કારણ પૂછી રહ્યા હતા. ત્યારે આવા જ એક વાહનચાલક મનિષ દવેને પૂછપરછ માટે ઉભા રાખ્યાં અને તેમણે આ ટીઆરબી જવાનને આંસુ સાથે કહ્યું કે, તેમની સાળી કીડનીની બીમારીથી પીડાય છે અને લોહીની જરૂર છે, પણ તેમનું બ્લડ ગ્રૂપણ અનુકૂળ ન હોવાથી તે આપી શકતા નથી અને બ્લડ બેંક જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી આપો તો જ સામે લોહી આપી રહી છે.

આ શબ્દો સાંભળીને હચમચી ગયેલા પ્રકાશભાઈએ મનોમન બ્લોડ ડોનેટ કરવાનું નક્કી કરી મનિષ દવેને કહ્યું કે, તમે રડશો નહી. હું લોહી આપીશ અને તરત જ બન્ને જણા ત્યાંથી મણિનગરની મહા ગુજરાત બ્લડ બેંક પહોંચ્યા હતા, જ્યાં જવાને બ્લડ ડોનેટ કર્યુ હતું. જેના કારણે મહિલાને સમયસર લોહી મળતાં તેમની તબિયત સુધારા પર છે. ટીઆરબી જવાનની આ માનવતાભરી કામગીરીની ઝોન-પ ડીસીપી રવિ તેજાએ નોંધ લઈને જવાનને શાબાશી આપી સન્માન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.