અરવલ્લીના ભિલોડા-મેઘરજ તાલુકાના ગામોમાં રણતીડને લઇ ખેતીવાડી વિભાગ ખેડૂતોને માર્ગદર્શિત કરાયા
ભિલોડા અને મેઘરજ તાલુકાના ૨૮ ગામોમાં કૃષિ વિભાગે ૧૦ ટીમો બનાવી તીડના નિયંત્રણ અંગેની કામગીરી હાથ ધરી
(બકોરદાસ પટેલ સાકરિયા,) અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજના સરહદી ગામોમાં રણતીડ આવવાની સંભાવનાને લઇ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયત્રણ અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં મળતા અહેવાલ અનુસાર ગુજરાતના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં રણતીડના ટોળા આવી શકે તે શક્યતાને ધ્યાને લઇ, આગોતરા આયોજનના ભાગરૂપે ભિલોડા અને મેઘરજ તાલુકાના ૨૮ ગામોમાં કૃષિ વિભાગે ૧૦ ટીમો બનાવી રણતીડના નિયંત્રણ અંગેની કામગીરી દ્વારા શરૂ કરી છે.
જેમાં ખેડૂતોએ સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો રણતીડ કઈ દિશામાંથી આવ્યા છે, કેટલા વિસ્તારમાં તીડ બેઠા છે, કયા ગામે સીમમાં બેઠા છે તે અંગેની માહિતી કૃષિ વિભાગના કંટ્રોલ રૂમ ૦૨૭૭૪- ૨૫૦૦૩૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.
અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પટેલે જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ૧૯ હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ રણતીડથી નુકશાનીની શક્યતા ખુબ ઓછી છે. તેમ છતાં તીડ ઉપદ્રવ જોવા મળે તો રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવાનું સમગ્ર આયોજન પરીપૂર્ણ કરવામાં આવ્યું છે.