‘હમ વાપસ આયેંગે કર્મભૂમિ કા કર્ઝ ચૂકાયેંગે’: સંકલ્પ સાથે વતન જઈ રહેલા શ્રમિકો
અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રોજની સરેરાશ ૧૦ જેટલી શ્રમિક સ્પેશીયલ ટ્રેન રવાના થાય છે. દિવસભર શ્રમીકોને લઈને આવતી એસ.ટી. અને એ.એમ.ટી.એસ. બસ રેલ્વે સ્ટેશન પરિસરમાં આવતી રહે છે. ઘણીવાર શ્રમિકોને લઈને આવતી બસોની લાંબી કતારો લાગે છે.
ગુરુવારે અમદાવાદ રેલ્વે સ્ટેશનની બહાર શ્રમીકોને લઈને આવેલી બસો પાસે એક અલગ જ દ્રશ્ય ખડું થયું હતું.
લગભગ ૩૦ જેટલી શ્રમિક બસ પર વિશિષ્ટ પ્રકારના બેનર લાગ્યા હતા. ઘણા શ્રમિકો બસની બહાર આવી તો કોઈ અંદર બેસીને જ ‘વંદે માતરમ્’ ‘ભારત માતાકી જય’ અને ‘હમ વાપસ આયેંગે કર્મભૂમિ કા કર્ઝ ચૂકાઆયેંગે’ જેવા નારા લગાવી રહ્યા હતા. ૩૦ બસોમાં આવેલા ૧૬૦૦ જેટલા શ્રમિકોના ઉત્તર ભારતીય વિકાસ પરિષદના શ્રી મહેશસિંહ કુશવાહાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાના વિશેષ પ્રયાસોને કારણે આ તમામ શ્રમિકો ગુજરાત પરત ફરવાના સંકલ્પ સાથે વતન જઈ રહ્યા છે.
તેઓએ ઉમેર્યુ કે, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા આ તમામ શ્રમિકોની રવાનગી માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયાસ હતા. રાજ્ય સરકારની સઘળી સુવિધાઓને કારણે આ તમામ શ્રમિકો સુરક્ષિત સફર કરી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે. આ વેળાએ ઉત્તર ભારતીય પરિષદના શ્યામસિંહ ઠાકુર અને સામાજિક અગ્રણી શ્રી રમેશભાઈ કાંટાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.