ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે
છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવેએ 2600 શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કર્યું છે
અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો અત્યાર સુધીમાં તેમના વતન રાજ્યમાં પહોંચી ગયા છે
નવી દિલ્હી, સમગ્ર દેશ અત્યારે કોવિડ-19 મહામારી સામે લડી રહ્યો છે ત્યારે ભારતીય રેલવે મુશ્કેલીના આ સમયમાં ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા લોકોને રાહત આપવામાં કોઇ જ કસર છોડતી નથી. પરપ્રાંતીય શ્રમિકોમને તેમના વતન રાજ્યમાં પહોંચાડવા માટે અવિરત પ્રયાસોના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા એક મોટા નિર્ણય અનુસાર આગામી દસ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ પહેલના કારણે દેશભરમાં અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવાની સુવિધા ઉભી થઇ શકશે.
અહીં ખાસ નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા 01 મે 2020ના રોજ દેશના વિવિધ ભાગોમાં લૉકડાઉનના કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં જવા માટે મુસાફરીની સગવડ ઉભી કરવાના આશયથી “શ્રમિક વિશેષ ટ્રેનો” ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ વિશેષ ટ્રેનો આવનાર પ્રવાસીઓ અને મોકલનાર પ્રવાસીઓ બંને રાજ્યોની મંજૂરી મળ્યા પછી એક સ્થળેથી સીધા બીજા સ્થળ સુધી દોડાવવામાં આવે છે. આવા ફસાયેલા નાગરિકોને મોકલવાની કામગીરી દરમિયાન પ્રમાણભૂત પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. રેલવે અને રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી તેઓ આ “શ્રમિક વિશેષ” ટ્રેનો માટે સતત સંકલનમાં રહે અને તેનું પરિચાલન સરળતાથી થઇ શકે.
છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવે દ્વારા 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજદિન સુધીમાં અંદાજે 36 લાખ ફસાયેલા શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે, રેલવે મંત્રાલય દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનો ઉપરાંત 12.05.2020ના રોજ 15 જોડીમાં વિશેષ ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે અને 1 જૂન 2020ના રોજથી વધુ 100 જોડી ટ્રેનોની સેવા દેશના વિવિધ ભાગોમાં શરૂ કરવામાં આવશે.