મહારાષ્ટ્રમાં છ લાખ જેટલા લોકો કામ પર ચડી ગયા છેઃ ઉદ્વવ ઠાકરે
જો લોકોની ભીડ અચાનક મોટી સંખ્યામાં ઉમટી પડશે તો પછી આપેલી સુવિધા પાછી ખેંચી લેવાની સરકારને ફરજ પડશે
મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાંથી ૩૧મી મે પછી લોકડાઉન સંપૂર્ણ રીતે ઉઠાવી લેવાની આશા પર ઠંડું પાણી રેડી દેતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ધીરે ધીરે લાગુ કર્યું હતું અને ત્યાર બાદ કેન્દ્ર સરકારે લોકડાઉન લાગુ કર્યા બાદ તેને આગળ વધારવામાં આવ્યું હતું. જેવી રીતે અચાનક લોકડાઉન લાગુ કરવું ભૂલ હતી એવી જ રીતે લોકડાઉન અચાનક ખોલીને ભૂલ કરવાની સરકારની તૈયારી નથી.
અત્યારે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાંથી અલગ અલગ સ્થળે રાહતો આપવામાં આવી રહી છે અને ૩૧મી મે સુધી આ રાહતો આપવાનું ચાલુ રહેશે, પરંતુ અચાનક લોકડાઉન ઉઠાવી લેવાની સ્થિતિ હજી સુધી યોગ્ય જણાતી નથી. અત્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પ્રસારનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને કોવિડ-૧૯ના કેસની સંખ્યામાં ગુણાકાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સ્થિતિ વધુ કફોડી થવાની શક્યતા છે ત્યારે સાવચેતી રાખવી આવશ્યક છે.
તેમણે એ બાબત પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હવે આપણે કોરોનાની સાથે જ જીવતા શીખવું પડશે એવી સલાહ આપતાં તેમણે જણાવ્યું હતું કે હવે વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે. મહારાષ્ટ્રમાં મે મહિનાના અંત સુધીમાં સવાથી દોઢ લાખ કોરોનાના દર્દી નોંધાશે એવી ચેતવણી કેન્દ્રીય ટુકડીએ આપી હોવાનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અત્યારે ૩૩,૭૮૬ એક્ટિવ કોવિડ-૧૯ના કેસ રાજ્યમાં છે.
કુલ આંકડો ૪૭ હજારથી વધુ છે, પરંતુ ૧૩ હજારથી વધુ સાજા થઈને ઘરે ગયા છે. ફક્ત ૧૫૭૭ લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોને હાલાકી પડતી હોવાની ફરિયાદો આવી રહી છે, તેમાં સત્યતા છે. આ સંકટ અચાનક આવી પડેલું છે. આની પૂર્વતૈયારી કરી નહોતી, આમ છતાં આપણે સારી રીતે સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. એપ્રિલના અંત સુધીમાં આપણી પાસે ફક્ત ૧૦૦૦ બેડની ક્ષમતા હતી, તેની સામે મે મહિનાના અંત સુધીમાં ૧૩-૧૪ હજાર જેટલી બેડની ક્ષમતા તૈયાર કરી રહ્યા છીએ.
રાજ્યમાં ૭૦ હજાર ઉદ્યોગને પરવાનગી આપવામાં આવી છે અને તેમાંથી ૫૦,૦૦૦ ઉદ્યોગો ચાલુ થઈ ગયા છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અંદાજે છ લાખ જેટલા લોકો કામ પર ચડી ગયા છે. ગ્રીન ઝોનમાં એસટી બસની સર્વિસ ચાલુ કરી દેવામાં આવી છે. માલ-સામાનનું પરિવહન ચાલુ જ છે.
રાજ્યમાંથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થઈ રહ્યું છે. અત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં અટવાયેલા લોકોએ થોડી ધીરજ રાખવી એવું હું તમને અધિકારપૂર્વક જણાવી રહ્યો છું. કેમ કે તમે મારા પોતાના છો, એવી લાગણીમય અપીલ કરતાં તેમણે ઉમેર્યું હતું કે રંગભૂમિ, ફિલ્મો અને સિરિયલના શૂટિંગ માટે યોગ્ય સાવચેતી સાથે ગ્રીન ઝોનમાં પરવાનગી આપવાનો વિચાર ચાલી રહ્યો છે.
આ સરકાર અનેક રીતે જનતાને મદદ કરી રહી છે, એમ જણાવતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે રેશન કાર્ડ ન હોય એવા લોકોને પણ અનાજ આપવાની રાજ્ય સરકારની માગણી હવે કેન્દ્ર સરકારે માન્ય રાખી છે. આને માટે કેન્દ્ર સરકારને ધન્યવાદ. તેમણે રાહત પેકેજ જાહેર કરવાની માગણી કરનાર ભાજપને કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડના પેકેજ વિશે ટોણો માર્યો હતો.મુખ્ય પ્રધાને ડોક્ટર, નર્સ, આરોગ્ય સેવક અને કોવિડ સંકટમાં સામે આવીને લડનારા બધા જ કોવિડ યોદ્ધાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર તમારી પાછળ ઊભી છે. અત્યારે મુંબઈ મહાનગરપાલિકા ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે. કેટલાક લાખ લોકોની તપાસ થઈ ગઈ છે અને દર્દીઓને હોસ્પિટલમાં પહોંચવા પહેલાં તેમના સુધી સરકાર પહોંચી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં બધું ધીરે ધીરે પાટે ચડાવવાનું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે આને માટે લોકડાઉન શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરવાનું છે. હવે બધું ધીરે ધીરે ખોલવાનું છે, પરંતુ નાગરિકોએ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જો લોકોની ભીડ અચાનક મોટી સંખ્યામાં ઉમટી પડશે તો પછી આપેલી સુવિધા પાછી ખેંચી લેવાની સરકારને ફરજ પડશે. આથી લોકોએ સાવચેતી રાખવી. જે ખૂલશે તે ખુલ્લું રહે તે માટેની જવાબદારી લોકોની છે. ખોટે ખોટી ભીડ કરશો નહીં, થોડી ધીરજ રાખજો અને નિયમોનું પાલન કરજો.