વસ્ત્રાપુરમાં કર્મચારીએ કંપનીનાં રૂપિયા સાડા ચાર લાખ ચાંઉ કરી જતાં છેતરપિંડીની ફરિયાદ
પૂછપરછ કરતાં લોકડાઉન દરમિયાન ઓનલાઈન રમી રમી, અંગત ખર્ચા કર્યાનું બહાર આવ્યું
અમદાવાદ, વસ્ત્રાપુરમાં આવેલા એક હેન્ડીક્રાફ્ટ શોરૂમનાં સેલ્સમેને કંપનીના માલિકનો વિશ્વાસ જીત્યા બાદ વેચાણની રકમ પોતાની પાસે રાખતો હતો. આ જ રીતે ફેબ્રુઆરી તથા માર્ચ મહિનાના વેચાણની રકમ પોતાની પાસે રાખી મુકી હતી. તાજેતરમાં તેની પાસે રૂપિયાની માંગણી કરતાં તેણે ઓનલાઈન રમી રમવામાં તથા અન્ય ખર્ચામાં રૂપિયા વાપરી નાખ્યા હોવાનું જણાવતાં કંપનીના માલિકો પણ ચોંકી ઉઠ્યા હતા અને છેવટે આ કર્મી વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શહેર રીટેલ પ્રાઈવેટ લિમિટેડ (વીર હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ) નામની હેન્ડીક્રાફ્ટની કંપનીના એકાઉન્ટન્ટ હર્ષભાઈ જીતેન્દ્રકુમાર શાહએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ઉપેન્દ્ર કિશનભાઈ મકવાણા (રહે. વાડજ) તેમની કંપનીમાં છેલ્લા બે વર્ષથી સેલ્સમેન તથા કેશીયર તરીકે ફરજ બજાવે છે. અને વેચાણની રકમ પોતાની પાસે રાખે છે. જે વધી જતાં કંપનીનાચ બેંક એકાઉન્ટમાં જમા કરાવે છે.
માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત થયા બાદથી કંપની બંધ હતી. અને વેચાણની રોકડ રકમ ઉપેન્દ્ર પાસે હતી. બાદમાં કંપનીના કર્મચારીઓના પગાર કરવા માટે ઉપેન્દ્ર પાસે રૂપિયા માંગતા તેણે પોતાનાથી રૂપિયા વપરાઈ ગયા છે. જે થોડા દિવસમાં આપી જઈશ તેમ કહ્યું હતું. જેથી કંપનીના એકાઉન્ટ તપાસતાં ફેબ્રુઆરી તથા માર્ચ માસના વકરો ઉપરાંત અન્ય રકમો મળીને કુલ ૪,૩૯,૬૪૭ રૂપિયા ચાઉં કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ઉપેન્દ્રની પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં તેણે ઓનલાઈન રમી રમવામાં, અંગત ખર્તમાનં તથા લોન ભરવા માટે તમામ રકમ વાપરી નાખી હોવાનું કહેતાં તમામ ચોંક્યા હતા. બાદમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.