મહારાષ્ટ્રમાં કોરોનાનું મહાસંકટ માત્ર ૧૯ દેશોમાં અહીંથી વધુ કેસ
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ઓછી નથી થઈ રહી. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તે બેકાબૂ બની ગયો છે. માત્ર આ રાજ્યમાં જ ૫૦ હજાર લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત છે. તેમાંથી પણ ૩૦ હજાર તો મુંબઈમાં જ છે. મહારાષ્ટ્ર અને મુંબઈ ની આ સ્થિતિ અનેક દેશોથી વધુ ખતરનાક છે. દુનિયામાં માત્ર ૧૯ દેશ જ છે, જ્યાં મહારાષ્ટ્રથી વધુ કોરોના પોઝિટિવ કસો છે.
ભારત સરકારના અધિકૃત આંકડાઓ મુજબ, સોમવાર સુધી દેશમાં ૧.૩૮ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હતા, તેમાંથી ૫૦,૨૩૧ લોકો મહારાષ્ટ્રના છે. દેશમાં અત્યાર સુધી ૪૦૨૧ લોકોના મોત કોવિડ-૧૯ના કારણે થયા છે. તેમાંથી ૧૬૩૫ લોકો માત્ર મહારાષ્ટ્રના છે. એટલે કે મહારાષ્ટ્રમાં દેશના ૩૬% કોરોના પોઝિટિવ લોકો છે. એવી જ રીતે દેશમાં કોરોનાથી જેટલા મોત થયા છે તેમાંથી ૪૦% માત્ર મહારાષ્ટ્રમાં જ થયા છે.
દુનિયામાં અત્યાર સુધી ૧૯ દેશોમાં ૫૦ હજારથી વધુ કોવિડ-૧૯ કેસ સામે આવ્યા છે. એટલે કે જો મહારાષ્ટ્ર દેશ હોત તો તે દેશોની યાદીમાં ૨૦મા નંબરે હોત. નોંધનીય છે કે ભારત આ યાદીમાં ૧૦મા નંબરે છે.
પાકિસ્તાનની બરાબરી કરી શકે છે મહારાષ્ટ્રની વેબસાઇટ મુજબ, પાકિસ્તાનમાં અત્યાર સુધી ૫૬,૩૫૦ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી ૧૧૬૭ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. પાકિસ્તાન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ૧૯મા નંબરે છે. મહારાષ્ટ્રમાં ૫૦,૨૩૧ સંક્રમિતોમાંથી ૧૬૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મુંબઈમાં અત્યાર સુધી ૩૦ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. દુનિયામાં માત્ર ૨૯ દેશ જ એવા છે જ્યાં મુંબઈથી વધુ કોવિડ-૧૯ના કેસ નોંધાયા છે. એટલે કે જો મુંબઈ દેશ હોત તો તે કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ૩૦માં નંબરે હોત.