ઝઘડિયાના ધારાસભ્યએ ધો.૭ ના પાઠ્યપુસ્તકમાંથી આદિવાસી શબ્દના બદલે વનવાસી શબ્દપ્રયોગ નાબૂદ કરવા બાબતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો
વર્ગભેદ વર્ગવિગ્રહ નિર્માણ કરવા માટેના આવા શબ્દપ્રયોગો રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકાર રૂપ બને તે પહેલાં પૂન: વિચારણા કરવા ભલામણ કરી.
(વિરલ રાણા, ભરૂચ), ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ધોરણ ૭ ના પાઠ્યપુસ્તકમાં આદિવાસી શબ્દ ના બદલે વનવાસી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને સુધારી આદિવાસી શબ્દનો જ ઉપયોગ થાય તેવી ભલામણ કરી છે સાથે સાથે તેમણે આ શબ્દપ્રયોગના કારણે રાજ્યમાં વર્ગભેદ અને વર્ગવિગ્રહ ઊભો થવાની સંભાવના ઉભી થવાની પણ ચેતવણી આપી હતી.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી ગુજરાત રાજ્ય ધોરણ ૭ માં આદિવાસી શબ્દને બદલે વનવાસી શબ્દનો પ્રયોગ નાબૂદ કરવા બાબતે જણાવ્યું છે. તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું કે બંધારણમાં આદિવાસીઓ માટે મૂળનિવાસી શબ્દ પ્રયોજાય છે. કેટલાક સ્થાપિત હિતો દ્વારા આદિવાસી શબ્દના પર્યાય તરીકે વનવાસી શબ્દ પ્રયોગ કરવાની શરૂઆત થઇ છે. જે આદિવાસીઓના બંધારણીય હિતોને નુકસાન કરનાર છે.
વનવાસી શબ્દ નો ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય અધિકારો અને હસ્તાંતરણ કરવાનુ ષડયંત્ર ચલાવાઇ રહ્યું છે. જે આગામી સમયમાં સંઘર્ષનું સ્વરૂપ નિર્માણ કરી શકે તેમ છે.વર્ગભેદ અને વર્ગ વિગ્રહ નિર્માણ કરવા માટેના આવા શબ્દપ્રયોગો રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકાર રૂપ બને તે પહેલાં આ અંગે પુન વિચારણા કરી વનવાસી ને બદલે આદિવાસી શબ્દ પ્રયોગ જ સાર્થક થાય તેમ છે. આ અંગે જરૂરી આદેશો કરવા આપને અંગત લાગણી, સુચન અને ભલામણ છે તેમ તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું.