છૂટછાટ મળ્યા બાદ પણ સુરતમાં માંડ ૩ ટકા જેટલા હીરા ઉદ્યોગ શરૂ થયા

સુરત (ફાઈલ)
સુરત, કોરોનાવાયરસના પગલે હાલ ચાલી રહેલા લાકડાઉનના કારણે સુરતના ૭૦ ટકા રત્ન કલાકારો પોતાના વતન તરફ વળી જતા માંડ માંડ ૩ ટકા હીરાના મોટા ઉદ્યોગ શરૂ થયા હોવાનો દાવો સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે કર્યો છે. મુંબઈનું હીરા ઉદ્યોગ પણ હાલ બંધ સ્થિતિમાં હોવાના કારણે સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ડાયમંડ એસોસિયેશનને કરેલી રજૂઆત બાદ રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લઈ ઉદ્યોગોને પાંચ થી છ કલાક ચાલુ રાખવા સુચમાં આપવામાં આવી છે. સુરતનો હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે હાલ ધમધમતો થાય તેવી કોઈ આશા હાલ દેખાઈ રહી નથી.
લાકડાઉનના ચોથા તબક્કા દરમિયાન રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ધંધા – વેપાર શરૂ કરવા અંગેની પરવાનગી આપવામાં આવી છે. જો કે સુરતનો હીરા ઉદ્યોગનો કેટલોક ભાગ કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તે શરૂ થઈ શક્યા નથી. માત્ર નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા જ હીરા ઉદ્યોગો હાલ શરૂ થઈ રહ્યા છે. સુરતમાં નાના-મોટા મળી કુલ ૫ હજારથી વધુ હીરા ઉદ્યોગો આવેલ છે. પરંતું ૭૦ ટકા રત્ન કલાકારો હાલ લાકડાઉનના કારણે પોતાના વતન તરફ વળી જતા હીરા ઉદ્યોગ સંપૂર્ણ શરૂ થઈ શક્યા નથી. જેમાં માત્ર બે થી ત્રણ ટકા જ મોટા હીરા ઉદ્યોગો શરૂ થયા છે. હીરા ઉદ્યોગને સંપૂર્ણરૂપ રીતે શરૂ થતાં હજી વધુ સમય લાગી શકે તેમ છે. મુંબઈનું ડાયમંડ બુર્સ પણ હાલ કોરોનાની મહામારીના કારણે બંધ પડ્યું છે. જ્યારે સુરતમાં પણ હીરાનું વેચાણ થઈ શકે તેમ નથી.
હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સુરત ડાયમંડ એસોસિયેશનને કરવામાં આવેલી રજુઆત બાદ જે રત્ન કલાકારો સુરતમાં છે તેઓનું હિત જળવાહ રહે તેને લઈ હીરા યુનિટો પાંચથી છ કલાક શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ લોકો મોટી સંખ્યામાં અવરજવર અને ભીડભાડ કરી ઓફિસો ખોલી રહ્યા છે. જેથી આવા લોકોને પણ એસોસિયેશન દ્વારા કડક સૂચનાઓ આપી નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.