ગુજરાતને GSDPના ૧૫% એટલે કુલ 2.61 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે

પ્રતિકાત્મક તસવીર
કોરોનાને કારણે દેશને ૩૦.૩૩ લાખ કરોડની ખોટનો અંદાજ
નવીદિલ્હી, દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે કોરોના સંકટથી દેશને બચાવવામાં લોકડાઉનનાં કારણે દેશના અર્થતંત્રને જોરદાર ફટકો લાગ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ જ્યારે દેશમાં પહેલીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યો ત્યારે ૨.૬% નાં જીડીપી દરનો અંદાજ રાખવામાં આવ્યો હતો.
જે બાદ વિવિધ સ્તરમાં લોકડાઉનના કારણે ઘટીને નેગેટિવ ૪.૭% પર પહોંચી ગયો. જોકે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક ધંધા-રોજગાર ફરી શરુ થઇ રહ્યા છે. લોકડાઉનના કારણે વિવિધ રાજ્યોને જીએસડીપીના ૧૩.૫% ૩૦.૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનમાં ૫૦% નુકસાન માત્ર રેડ ઝોનમાં થયું જ્યારે ઓરેન્જ અને રેડ ઝોન બંનેના મળીને ૯૦% નુકસાન થયું. અહેવાલમાં જાણવા મળ્યું છે કે
દેશના ગ્રીન ઝોન કે જે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં છે ત્યાં સૌથી ઓછું નુકસાન નોંધાયું છે.
દેશમાં થયેલ કુલ નુકસાનનો અંદાજ જોવામાં આવે તો ટોચના ૧૦ રાજયોમાં જ કુલ નુકસાનનું ૭૫% નુકસાન નોંધાયું છે. જે રાજ્યોમાં અત્યારે કોરોના વાયરસનો સૌથી વધારે પ્રકોપ છે તેવા મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુને અર્થતંત્રમાં પણ સૌથી વધારે નુકસાન થયું છે જેમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રને કુલ ૪,૭૨,૪૩૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું જયારે ગુજરાત આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કોરોના વાયરસના લોકડાઉનના કારણે ગુજરાતને જીએસડીપીના ૧૫% એટલે કુલ ૨,૬૧,૩૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે જેમાં ૬૦.૫% નુકસાન તો માત્ર રેડ ઝોનમાં થશે. બધા રાજ્યોના કુલ આંકડાંઓ મુજબ દેશને ૩૦,૩૩,૭૦૪ કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે.
પશ્ચિમ બંગાળને ૧.૯૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. દિલ્હીને ૧.૬૯ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. રાજસ્થાનને ૧.૫૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આંધ્રપ્રદેશને રૂ. ૧.૪૯ લાખ કરોડનું નુકસાન થશે. મધ્યપ્રદેશને ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. સૌથી ઓછું નુકસાન આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં હશે જે રૂ. ૧,૪૭૫ કરોડ હશે.
નાણાંકીય વર્ષ ૨૦૨૦ના અંતના દિવસોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે માર્ચ મહિનાના સાત જ દિવસમાં ૧.૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું
જેના કારણે ચોથા ક્વાર્ટરમાં જીડીપી ૧.૨ ટકા જયારે કુલ જીપીડી ૫% થી ઘટી ૪.૨ ટકા રહી ગયો. હવે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧માં કુલ જીડીપી ૨૨૪.૯ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો પરંતુ લોકડાઉનમાં પડેલાં ફટકાનાં કારણે હવે આ જીડીપી ૧૯૪.૬ લાખ કરોડ રૂપિયા સુધી રહી જશે. અત્યારે રસપ્રદ બાબત એ છે કે જીડીપી અને જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)ની વૃદ્ધિ વચ્ચે તફાવત છે. સામાન્ય રીતે આ બંનેની વૃદ્ધિમાં બહુ તફાવત હોતો નથી. પરંતુ આ વખતે પરોક્ષ વેરામાં થયેલી મોટી ખોટથી બંને વચ્ચે મોટો તફાવત પડ્યો છે. રિપોર્ટનો અંદાજ છે કે વાસ્તવિક ય્ફછ વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૨૧માં -૩.૧%ની નજીક હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર -૬.૮% રહેશે.
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અન્ય દેશો કરતા થોડું ધીમું જોવા મળ્યું છે. કારણકે ભારતને એક કેસથી એક લાખ કેસ સુધી પહોંચવામાં ૬૫ દિવસનો સમય લાગ્યો જ્યારે અમેરિકામાં ૨૫, સ્પેનમાં ૩૦ અને જર્મનીમાં ૩૫ જ દિવસ લાગ્યાં હતા. જોકે આ અંતરનું મુખ્ય કારણ ટેસ્ટિંગની સંખ્યા પણ હોઈ શકે છે.
ભારતમાં હાલમાં લોકડાઉનમાં મોટે ભાગે છૂટછાટ આપી દેવામાં આવી છે ત્યારે આ અહેવાલના અંદાજ પ્રમાણે ભારતમાં ૨૦મી જુને કોરોના વાયરસ સૌથી વધુ કહેર વર્તાવશે. તો ઘણાના મનમાં સવાલએ થાય છે કે શું કોરોનાને રોકવા માટે સ્વીડન મોડલ અપવાનાવવો જોઈતો હતો ? જ્યાં કોઈ જ લોકડાઉન કરવામાં ન આવ્યો પરંતુ તે લોકોની જવાબદારી પર છોડી દેવામાં આવ્યું તથા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે જ્યારે તે બીમાર હોય તો ઘરે જ રહે.
જોકે આ દેશમાં અર્થવ્યવસ્થાને બચાવવાના ચકકરમાં વધુ મોત સામે આવ્યા છે. આનાથી ઉલટ લોકડાઉન અપનાવ્યા બાદ પણ ન્યૂયોર્કમાં પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન જાહેર જીવનમાં લોકોની ગતિવિધિ પર ગૂગલના અહેવાલ અનુસાર ભારત સહીત વિશ્વના ૧૩૧ દેશોમાં લોકોની ગતિવિધિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.