કાલુપુર માર્કેટ ખુલતાની સાથે જ ભીડ એકઠી થતા બંધ કરી દેવાયું
અમદાવાદ, લોકડાઉન બાદ બુધવારે કેટલીક શરતો સાથે શરૂ થયેલું કાલુપુર બજાર એક કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે બંધ કરાવી દીધુ હતું . સોશિયલ ડીસટન્સનું પાલન નહી થતા તેમજ ગ્રાહકોની ભારે ભીડ થતા આ નિર્ણય તાત્કાલીક લેવાયો છે જેના કારણે વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કોર્પોરેશન તેમજ પોલીસે કેટલીક શરતોને આધિન દુકાનો અને બજાર ચાલુ કરવાની પરમિશન આપી હતી. વેપારીઓએ તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું પરંતુ પોલીસ અને કોર્પોરેશનની ટીમ આજે સવારે આવી બધું બંધ કરાવી દીધુ હતું. બજાર બંધ કરાતાની સાથેજ મોટી સંખ્યામાં પોલીસને ખડકી દેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો કોટ વિસ્તારમાં વધતાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યો છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા કાલુપુર ચોખા બજાર, અનાજ માર્કેટ, પાન મસાલા માર્કેટ અને માધુપુરા માર્કેટ લાંબા સમયથી બંધ હતા. કોર્પોરેશન દ્રારા દુકાનો અનો ગોડાઉન ખોલવા માટે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી મંજૂરી આપી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ગાઈડલાઈનના પાલન કરવા વેપારીઓને જણાવવામાં આવ્યું હતુ. આજે સવારે બજારની તમામ દુકાનો ખોલી હતી જોકે એક કલાક પછી તંત્રએ તેને બંધ કરાવી દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
ચોખા બજારના વેપારીઓએ માર્કેટ ચાલુ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જો વધુ સમય દુકાનો બંધ રહેશે તો અનાજ અને માલ સડી જશે જેથી દુકાન ખોલવા પરમિશન આપવામાં આવે. જેથી આજથી પાંચ કલાક દુકાન અને ગોડાઉનો ખોલવા મંજૂરી અપાઈ હતી સવારે વેપારીઓએ શરતો પ્રમાણે દુકાન ખોલી હતી અને લોકો અને રિટેલ વેપારીઓ બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જેના કારણે થોડા જ સમયમાં તમામ માર્કેટ બંધ કરાવવાની ફરજ પડી હતી. ચોખા બજાર ૬૦ દિવસ બાદ ખુલતા ધમધમાટ શરૂ થયો હતો.બધુ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં એએમસીની ટીમ આવીને દુકાન બંધ કરવા કહ્યું. કોઈને કઈ સમજાયું નહીં કે શા માટે દુકાન ખોલવાનું કહ્યા બાદ બંધ કરવાનું કહ્યું.
ચોખા બજારના પ્રમુખે એએમસીની ટીમને રજુઆત કરી અને કહ્યું કે, ચોખા બજાર ખોલવા માટે છૂટછાટ આપી છે તો બંધ શા માટે કરી. ત્યાર બાદ પોલીસ, વેપારી અને એએમસીની ટીમ સાથે વાટાઘાટો કરીને અને ત્યારબાદ નિર્ણય કરાયો કે, ચોખા માર્કેટમાં એક દુકાન ખુલશે અને બે દુકાનો બંધ રાખવી. રોજ આજ રીતે જેનો નંબર હોય તે દુકાનો ખોલશે. જોકે, એએમસીની બેઠકમાં તમામ શરતોનું પાલન કરીને દુકાન ખોલવા માટે નિર્ણય કરાયો હતો. તો પછી દુકાનો અચાનક જ કેમ બંધ કરાવાય હતી.શુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સંકલનના અભાવને કારણે લોકો અને વેપારીઓએ હેરાન થયા.