Western Times News

Gujarati News

શ્રમિકોને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું

આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોના હેલ્થ સ્ક્રિનિંગ સાથેમાસ્ક, સેનેટાઈઝર અને સામાજીક અંતર જાળવવા આરોગ્ય શિક્ષણ

(સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર) માહિતી મદદનીશ, પાટણ શ્રમિકોને રોજગારી આપવા કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન-૪માંપૂરતી તકેદારી સાથે મનરેગા યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉનાળાની ઋતુમાં ખુલ્લામાં કામ કરી રહેલા આ શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમના હેલ્થ સ્ક્રિનિંગ સાથે પ્રાથમિક ઉપચાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ તથા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી. ત્યારબાદનાના વેપારીઓ, વ્યવસાયકારો અને શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે જરૂરી તકેદારી અને છૂટછાટ સાથે ધંધા-રોજગાર માટે મંજૂરી આપવામાં આવી. જે અન્વયે જિલ્લામાં વિવિધ સ્થળોએ વિકાસકાર્યો આગળ ધપાવવા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી આપવામાં આવી.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા લોકડાઉનના સમયમાં કરવામાં આવેલી સઘન કામગીરીની સાથે સાથે શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરી પ્રોએક્ટીવ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ કામ કરી રહેલા શ્રમિકોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ તાલુકાના વડલી ખાતે ધારણોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર સુશ્રી ડૉ.સુકુન મોદી, મલ્ટી પરપઝ હેલ્થ વર્કરશ્રી પ્રતિક પ્રજાપતિ, ફિમેલ હેલ્થ વર્કર તથા આશા વર્કરની ટીમ દ્વારા મનરેગા હેઠળ કામ કરી રહેલા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી. સાથે જ શ્રમિકોને થયેલી નાની-મોટી ઈજાઓની સારવાર પણ કરવામાં આવી.સાથે સાથે દરેક શ્રમિકને હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું.

ખુલ્લી જગ્યામાં કામ કરતાં શ્રમિકોને ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશન ન થઈ જાય તે વાતને ધ્યાનમાં રાખી ઓ.આર.એસ.ના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. કામના સ્થળ પર ઓ.આર.એસ.ની સાથે સાથે પ્રાથમિક સારવાર માટેની સામગ્રી અને જરૂરી દવાઓ પણ રાખવામાં આવે છે.

વડલી ખાતે શ્રમિકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરી રહેલા મ.પ.હે.વ.શ્રી પ્રતિક પ્રજાપતિ જણાવે છે કે, ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવે તો પડી જવાથી ઈજા થવાનું જોખમ રહેલું છે. માટે ખુલ્લામાં કામ કરી રહેલા શ્રમિકોના શરીરમાં પાણીની માત્રા ઘટી ન જાય તે જરૂરી હોઈ હેલ્થ સ્ક્રિનિંગ સમયે ઓ.આર.એસ.ના પેકેટ્સનું વિતરણ પણ કર્યું છે.

જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૨૨ હજાર જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરેશ્રમિકોના આરોગ્યની પ્રાથમિક તપાસણી કરવામાં આવે છે. સાથે સાથે શ્રમિકોને ફેસ માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સામાજીક અંતર જાળવવા સમજ પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની પણ દરકાર કરી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.