અમદાવાદમાં રેલવે ટિકિટ બુકિંગ અને રિફંડ માટે 1 જૂનથી વધુ કાઉન્ટર્સ ખોલવામાં આવશે
કોરોના વાયરસના લોકડાઉન ને કારણે હાલમાં નિયમિત પેસેન્જર ટ્રેનો બંધ છે , પરંતુ મુસાફરોની સુવિધા માટે ખાસ પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ મંડળ પર મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટિકિટ બુકિંગ અને રિફંડ માટે 25 મે 2020 થી અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, ભુજ અને વિરમગામ સ્ટેશનો પર પીઆરએસ કાઉન્ટર્સ ખોલવામાં આવ્યા હતા.મંડળ પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે, 01 જૂન 2020 થી અમદાવાદ મંડળ ના વધુ સ્ટેશનો પર પીઆરએસ કાઉન્ટરો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંડળ રેલ્વે પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ, 01 જૂન, 2020 થી મણિનગર, ચાંદલોદિયા, આંબલી રોડ, સાણંદ, અસારવા, સરદારગ્રામ, હિંમતનગર, બહુચરાજી, કડી, કલોલ, ધ્રાંગધ્રા, હળવદ, માળીયા મિયાણા, સામાખીયાળી, ભચાઉ, અંજાર, લાકડિયા, રાધનપુર, દિયોદર, ભીલડી, ડીસા, પાટણ, સિધ્ધપુર અને ઉંઝા સ્ટેશનો સામાન્ય દિવસોમાં સવારે 08 થી સાંજે 18 વાગ્યા સુધી અને રવિવારે સવારે 08 થી બપોરે 14 વાગ્યા સુધી અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા અપાયેલા નિર્દેશ મુજબ ઉપલબ્ધ રહેશે.
મુસાફરોને વિનંતી છે કે તેઓ તેમના નજીકના પીઆરએસ કાઉન્ટરો પરથી ટિકિટ / રિફંડ લેતી વખતે તેઓ ગૃહ અને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી સલાહ મુજબ ચહેરાના માસ્ક અને સૂચિત સામાજિક અંતરને અનુસરીને તેમની ટિકિટ / રિફંડ લે. મંડળ રેલ પ્રશાસને મુસાફરો ની સુવિધા માટે યાત્રી ટિકિટ સેવા કેન્દ્ર (વાયટીએસકે) દ્વારા લીધેલ ટિકિટોને પણ પીઆરએસ કાઉન્ટરો પર ટિકિટ ને રદ કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.