સમર્પણ….છ દિવસમાં કોરોનાને મ્હાત આપી સિવિલના નર્સ ફરજ પર પરત ફર્યા
માત્ર છ દિવસમાં જ કોરોનાને મ્હાત આપતાં નર્સ મિત્તલ પંડ્યા
મારા જીવનની દરેક ક્ષણ દર્દીઓને સમર્પિત… આ શબ્દો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે ફરજ બજાવી રહેલાં મિત્તલબેન પંડ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી ત્યારથી જ મિત્તલબેન કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં તેઓ પોઝીટવ થયાં હતાં.
મિત્તલબેનને કોરોનાના લક્ષણો દેખાતાં તેઓએ કોરોનાનો રીપોર્ટ કઢાવ્યો હતો. બીજા દિવસે હોસ્પિટલમાંથી સવારે ૭ વાગે તેમના પર ફોન આવ્યો કે મિત્તલબેન તમારો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પોતાના પરિવાર સાથે ક્યારે પરત ફરશે તેવા વિચાર સાથે તેઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે ઘરેથી એકલા જ ગયા હતા. ચાર દિવસ પછી પ્રથમ અને છઠ્ઠા દિવસે બીજો રીપોર્ટ નેગેટીવ આવતાં મને હોસ્પિટલમાંથી રજા મળી હતી. આઈસીએમઆરની માર્ગદર્શિકા મુજબ હું ૧૪ દિવસ મારા ઘરમાં કોરન્ટાઈન થઈ તેમ મિત્તલબેન જણાવ્યું હતું
માત્ર છ દિવસમાં કોરોનાને હરાવીને ઘરે પરત ફરેલાં નર્સ મિત્તલબેન જણાવે છે કે, કોરોનાને હરાવવા માટે આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. મિત્તલબેનના પરિવારમાં ૯૨ વર્ષના વડસાસુ, તેમના પતિ, ૧૪ વર્ષનો દિકરો અને ૮ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે.મિત્તલબેન કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેમના પરિવારના વડીલો અને બાળકોની જવાબદારી તેમના પતિનાં શિરે આવી હતી. તેમના પતિ જાતે જમવાનું બનાવીને પરિવારને જમાડતાં હતાં.
મિત્તલબેન જણાવે છે કે, મને કોરોનાથી ઝડપથી સાજાં થવામાં મારા પતિ, બાળકો અને મારા હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો. કોરન્ટાઈનના સમય પૂર્ણ થતાંની સાથે જ મિત્તલબેન પીપીઈ કીટ પહેરીને કોવિડ૧૯ હોસ્પિટલમાં પુનઃ ફરજ બજાવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતાં પોઝીટીવ થયેલાં ૪૦ વર્ષીય નર્સ મિત્તલબેન દર્દીઓની પૂરી નિષ્ઠાથી સેવા કરી રહ્યાં છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ નર્સ મિત્તલબેનએ પુરું પાડ્યુ છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. તેઓ કહે છે કે, મારા પરિવારને મારા પર ખૂબ જ ગૌરવ છે કે હું આવી કપરી સ્થિતિમાં પણ ડ્યુટી કરી રહી છું.