Western Times News

Gujarati News

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામનો કેટલોક વિસ્‍તાર કન્‍ટેન્‍ટમેન્‍ટ જાહેર કરાયો

નડિયાદ-સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી દ્વારા વખતોવખત નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ નો ફેલાવો અટકાવવાં માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનાં ક્માંક એનસીવી-૧૦૨૦૨૦-એસ.એફ.એસ.૧ તા. ૧૩-૦૩-૨૦૨૦ ના જાહેરનામાથી રાજ્યમાં ‘‘ધ ગુજરાત એપેડેમિક રેગ્‍યુલેશન – ૨૦૨૦‘‘ લાગુ કરવામાં આવેલ છે. આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગુજરાત સરકારના તા. ૨૫-૦૩-૨૦૨૦ ના પત્ર દ્વારા આ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ની મહામારી વર્તમાન પરિસ્‍થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્‍લા કક્ષાએ આયોજન, સંકલન તથા નિયંત્રણમાં લેવા જાહેર હીતમાં લેવાના તમામ પગલાં લેવા જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીને જરૂરી સત્તાઓ સોંપવામાં આવેલ છે.

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્‍તારોમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના કેસો તપાસણી દરમ્‍યાન બહાર આવી રહ્યા છે. તેવા કેસોને લીધે આ વાયરસ બીજા વિસ્‍તારો અને અન્‍ય વ્‍યક્તિઓ સુધી ના પ્રસરે અને તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા તા. ૩૧-૦૫-૨૦૨૦ સુધી લોકડાઉનનો સમયગાળો લંબાવવા નિર્ણય કરવામાં આવ્‍યો છે.

ખેડા જિલ્‍લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના શ્રીગોળવાસ વિસ્‍તારમાં ૧(એક) નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ નો કેસ મળી આવતા સદર વિસ્‍તારોને વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે સદરહુ વિસ્‍તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.

શ્રી આઇ.કે.પટેલ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા-નડીઆદ, નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ તથા ધી એપેડેમિક ડિસીઝ કોવીડ-૧૯ તેમજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગુજરાત સરકારના તા. ૨૫-૩-૨૦૨૦ થી મને મળેલ સત્તાની રૂએ નીચે જણાવેલ વિસ્‍તાર કોવીડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે.

કોવિડ-૧૯ નો ૦૧(એક) પોઝીટીવ કેસ ખેડા જિલ્‍લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના શ્રીગોળવાસ વિસ્‍તારમાં મળી આવેલ હોઇ, શ્રીગોળવાસ, હરીજનવાસ, મલેક ફળીયું વિસ્‍તારને કોવીડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્‍તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્‍તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્‍યક ચીજ વસ્‍તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

ઉક્ત વિસ્‍તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. આ વિસ્‍તારના એન્‍ટ્રી અને એક્ઝીટ પોઇન્‍ટ પર થર્મલ સ્‍ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્‍તારને આવરી લેતા મુખ્‍ય માર્ગો પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાનો રહેશે. આવશ્‍યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્‍યવસ્‍થા સંબંધિત ફરજો) અને સરકારી વ્‍યવસ્‍થાપનની સાતત્‍યતા જાળવવા વિસ્‍તારની પરવાનગી વગર વસ્‍તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

આ હુકમની અમલવારી અત્રેથી બીજી સુચના ના થાય ત્‍યાં સુધી ચાલુ રહેશે. આ સમય દરમ્‍યાન રાજ્ય સરકાર / કેન્‍દ્ર સરકારની સુચનાઓનું પાલન કરવાનું રહેશે. આપવાદરૂપે આ હુકમ સરકારી ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ / પોલીસ કે અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી, સરકારી / ખાનગી દવાખાનાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા, કાયદો અને વ્‍યવસ્‍થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦/૩/૨૦૨૦/ડીએમ-૧(એ) તા. ૨૪-૦૩-૨૦૨૦, તા. ૨૫-૦૩-૨૦૨૦, તા. ૨૯-૦૩-૨૦૨૦, તા.૨-૪-૨૦૨૦, તા.૩-૪-૨૦૨૦ તા.૬-૪-૨૦૨૦, તા.૧૦-૪-૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવતી આવશ્‍યક સેવાઓ કે જે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવેલ છે તેવા વ્‍યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહિ.

આ હુકમના ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ – ૫૧ થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ – ૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્‍વયે ખેડા જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદૃો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.