શહેરમાં 1લી જૂનથી BRTS AMTS સેવા શરૂ થશે.
શહેરમાં 1લી જૂનથી જનમાર્ગ-એ.એમ.ટી.એસ.સેવા શરૂ થશે.
કન્ટેઇનમેન્ટ ઝોનમાં બસ સેવા બંધ રહેશે : 50 ટકા બસો જ દોડશે.
અમદાવાદ (દેવેન્દ્ર શાહ) દેશમાં 1લી જૂન થી અનલોક -1 ની શરૂઆત થશે. રાજ્યમાં લોકડાઉન 4.0 દરમ્યાન આપવામાં આવેલી છૂટછાટો કરતા અનેકગણી વધુ છુટછાટ અનલોક-1માં આપવામાં આવી છે. જેમાં ધાર્મિક સ્થાન, હોટેલ ,જિમ અને જાહેર પરિવહન સેવા મુખ્ય છે. અમદાવાદ શહેર માં પણ સોમવારથી એ.એમ.ટી.એસ અને જનમાર્ગ ની બસો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારોમાં દોડતી થઈ જશે.
દેશમાં પ્રથમ લોકડાઉન ની શરૂઆત થઈ તે સમય થી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકડાઉન 4.0 ની સમાપ્તિ બાદ કન્ટેઇનમેન્ટ ઝોન માં 30 જૂન સુધી લોકડાઉન ની મુદત લંબાવી છે. સાથે સાથે અનેક મહત્વની છૂટ પણ આપી છે. જેના પગલે ગુજરાત રાજ્ય સરકારે જાહેર પરિવહન સેવા શરૂ કરવા જાહેરાત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ચેરમેન અતુલભાઈ ભાવસાર નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવતીકાલ થી (1જૂન , સોમવાર) સંસ્થા ઘ્વારા 325 બસો રોડ પર મૂકવામાં આવશે. જે 60 રૂટ ને આવરી લેશે. પૂર્વ વિસ્તાર ની બસો પૂર્વ માં અને પશ્ચિમ ની બસો પશ્ચિમ માં જ ફરશે. નદી પરના બ્રીજ બંધ હોવાથી બસ રૂટ તે મુજબ નક્કી કરવામાં આવ્યા છે. રવિવારે દિવસ દરમ્યાન બસો ને સેનેટાઇઝ કરવામાં આવી છે.
તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે ના સ્ટીકર બેઠકો પર લગાવવામાં આવ્યા છે. બસ ની ક્ષમતા કરતા 50 ટકા ઓછા પેસેન્જર લેવામાં આવશે. 32 સીટ ની બસ માં માત્ર 16 પેસેન્જર જ લેવામાં આવશે. પૂર્વ વિસ્તારમાં સારંગપુર, હાટકેશ્વર અને નરોડા ડેપો થી સંચાલન થશે.
પશ્ચિમમાં વાસણા અને પાલડી ડેપો કાર્યરત થશે. કન્ટેઇનમેન્ટ ઝોન ના કારણે લાલદરવાજા ડેપો બંધ હોવાથી નટરાજ થિયેટર પાસે કંટ્રોલ રુમ શરૂ કરવામાં આવશે. જ્યાં બસો નું મોનિટરિંગ થશે. બસમાં માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન ફરજીયાત રહેશે. આવતીકાલ થી શરૂ થનાર બસ સેવા ને ટ્રાયલ એન્ડ એરર સમજવું યોગ્ય રહેશે તેમ તેમણે વધુ માં જણાવ્યું હતું.
શહેરમાં સોમવારથી જનમાર્ગ ની બસો પણ દોડાવવામાં આવશે. જનમાર્ગ ના ઉચ્ચ અધિકારી અને આસી. કમિશનર વિશાલ ખનામાં ના જણાવ્યા મુજબ 50 ટકા બસો રોડ પર મૂકવામાં આવશે. જનમાર્ગ લિમિટેડ પાસે 255 બસો છે
જે પૈકી 125 બસ દોડાવવામાં આવશે. રિવરબ્રિજ બંધ હોવાના કારણે પૂર્વ ની બસ પૂર્વમાં અને પશ્ચિમ ની બસ પશ્ચિમ માં જ ચાલશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નક્કી કરવામાં આવેલા કન્ટેઇનમેન્ટ ઝોન માં બસ જશે નહિ. શહેર ના ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, મણિનગર, દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર સહિત ના વિસ્તારમાં બસ સેવા બંધ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.