કોરોના સંક્રમણ અમદાવાદ જિલ્લામાં અત્યારસુધીમાં 135 દર્દીઓને રજા અપાઈ
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં સફળ રહ્યુ છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આપેલી વિગતો મુજબ અત્યાર સુધીમાં માત્ર 212 દર્દીઓ કોવીડ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાંથી 135 દર્દીઓને( 64 ટકા) ડિસ્ચાર્જ કરાયા છે, 55 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર સારવાર હેઠળ છે અને 11 દર્દીઓને કોવીડ કેર સેન્ટરમાં રિફર કરાયા છે.
અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સંખ્યાબંધ પગલાઓ લઈ કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના 300થી વધુ ગામડાઓને સેનિટાઈઝ કર્યા છે, જેમાં અંદાજે 2 લાખથી વધુ ઘર અને 10 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્રએ કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લામાં 8 ચેકપોસ્ટ ઉભી કરી છે, તેમાં અત્યારસુધીમાં 1 લાખ 90 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું છે. આ ઉપરાંત જિલ્લામાં 624 થી વધુ ટીમો સઘન સર્વેલેન્સ હાથ ધર્યું છે, જેમા 37 હજારથી વધુ ઘરનો સર્વે હાથ ધરાયો છે.
જિલ્લા વહીવટીતંત્રએ ફેરિયાઓ કે ઔદ્યોગિક કામદારો થકી કોરોના સંક્રમણ ન ફેલાય તેની પણ વિશેષ તકેદારી રાખી છે. આ તકેદારીના ભાગરૂપે અત્યારસુધીમાં 6600થી વધુ ફેરિયાઓને વેન્ડર સ્ક્રિનિંગ કાર્ડ આપવામાં આવ્યા છે અને 29 હજાર થી વધુ ઔદ્યોગિક કામદારોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું છે.