સિવિલ હોસ્પિટલના સ્ટાફમિત્રોને સતત પૌષ્ટિક ખોરાક મળી રહ્યો છે
વયજૂથ પ્રમાણે ડાયેટ નક્કી કરવામાં આવે છે- સ્વાસ્થય સાથે મનૌવૈજ્ઞાનિક રીતે પણ સ્વસ્થ રાખવા દરરોજ યોગ કરાવાય છે
અમદાવાદ, કોરોનાની મહામારીમાં કાર્યરત તમામ સ્ટાફ મિત્રોની પણ રોગપ્રતિકારક શક્તિ સતત મજબૂત રહે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા દરકાર કરવામાં આવી હતી.જેને ધ્યાને રાખીને સિવિલ તંત્ર દ્વારા તમામ સ્ટાફ મિત્રો ને સતત પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા નર્સ જલ્પા ધંધૂકીયા કહે છે કે અમારા સ્વાસ્થયની ચિંતા કરીને દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.
આઈ.સી.યુ.માં પી.પી.ઈ.કીટ પહેરીને ફરજ પર હોઈએ ત્યારે પાણીના બોટલ, જ્યુસ, છાસ આપવામાં આવે છે જેથી ડિહાઇડ્રેશનની સ્થિતી ન સર્જાય.
નર્સિંગ હોસ્ટેલમાં સવારે ચા-કોફી, દૂધ સાથે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.બપોરના ભોજન પણ ખૂબ જ રસપ્રદ હોય છે જેમાં અમારા આરોગ્યની પૂરતી તકેદારી રાખીને લીલોતરી શાકભાજી સાથે કઠોળનું શાક પણ હોય છે. દાળ-ભાત સાથે લીલુ સલાડ આપવામાં આવે છે. સાથે સાથે કોરોનાની પરિસ્થિતિમાં ખાટા ફળ ખૂબ જ અસરકારક નિવડતા હોવાના કારણે દરરોજ મોસંબી, કેળા પણ આપવામાં આવે છે જે અમારી રોગપ્રતિકારક શક્તિમાં સતત વધારો કરે છે.
સાંજના ભોજનમાં હળવા ખોરાક ખીચડી કઢીની સાથે હળદર વાળુ દુધ પણ આપવામાં આવે છે.હોસ્પિટલ દ્વારા કોવિડમાં કાર્યરત તમામ સ્ટાફની વયજૂથની જરૂરિયાત પ્રમાણે જમવાનું મેનું તૈયાર કરવામાં આવે છે. તેમજ કોઈ બિમારી ધરાવતા સ્ટાફ મિત્રને વિશિષ્ટ ભોજનની આવશ્યકતા હોય તો તે પણ પરિપૂર્ણ કરવામા આવે છે.
કોવિડ ડેડિકેટેડ ૧૨૦૦ બેડમાં કાર્યરત નર્સ ગુંજન વ્યાસ જણાવે છે કે, સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં અમારા રહેવાની સુવિધા કરવામાં આવી છે. સાથે સાથે કોવિડમાં કામ કરતા હોવાથી શરીરને ન્યુટ્રીશનયુક્ત ડાયટ, ફાઈબરડાયટ, તેમજ લીલોતરી ડાયટ સાથેનો ખોરાક આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે ઉકાળા,હળદર વાળુ દુધ પણ આપવામાં આવે છે.
પૌષ્ટિક આહારની સાથે સાથે નર્સિંગ સ્ટાફની મનોસ્થિતિ પણ સારી રહે તે માટે હોસ્ટેલમાં યોગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યુ છે.સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને નિયમિત યોગ કરાવીને તેમની મનૌસ્થિતિનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે . હોસ્ટેલની કેન્ટીનમાં ભોજન લઈ રહેલી ઘણી નર્સિંગ મહિલાઓએ કહ્યું કે સિવિલ દ્વારા આપવામાં આવી રહેલા ભોજનથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ.