બજારો ખુલ્યા પણ…ભાડાની દુકાનોના અ..ધ…ધ.. ભાડા ચુકવવા ક્યાંથી??
અમદાવાદ શહેરમાં જુદા જુદા બજારોમાં લગભગ ૧૦,૦૦૦થી વધારે દુકાનો ભાડાની હોવાનો અંદાજઃ ભાડાની રકમ ર૦ થી પ૦ હજાર સુધીની
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોનાને કારણે બે મહિનાના લાંબા સમયના લોકડાઉન પછી અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા મોટા મોટા બજારો ધમધમતા થયા છે. એક તરફ બે મહિના કામ-ધંધા ઠપ્પ થઈ જતાં વેપારીઓને આર્થિક નુકશાન તો થયુ જ છે. પરંતુ તેમાં પણ મોટાભાગના વહેપારીઓની દુકાનો ભાડાની છે. તેમના પર બે-ત્રણ મહિનાના ભાડા ચઢી ગયા છે.
વળી, આ ભાડા સામાન્ય હોતા નથી. દુકાનોના ભાડા ર૦ હજારથી લઈને પ૦ હજાર સુધીના હોય છે એટલે વેપારીઓને દુકાળમાં અધિક માસનો ઘાટ સર્જાયો છે. એક અંદાજ મુજબ શહેરી વિસ્તારોમાં જે વિવિધ બજારો છે. તેમાં લગભગ ૧૦,૦૦૦ થી વધારે દુકાનો ભાડાની છે. જેમાં અલગ અલગ પ્રકારે ભાડા નક્કી થતાં હોય છે. ગ્રાઉન્ડ ફલોરની દુકાનના ભાડા સ્વાભાવિક રીતે વધારે હોય છે. જેમાં પ૦,૦૦૦ સુધીના ભાડાનો સમાવેશ થાય છે. આટલા તોતિંગ ભાડા વેપારીઓ કઈ રીતે ચુકવી શકાશે તે મોટો પ્રશ્ન છે. કારણ કે બે મહિનાથી લોકડાઉનને કારણે કામધંધા બંધ છે.
વળી, માર્કેટમાંથી કારીગરો-મજુરો પણ ગાયબ છે. ટ્રાન્સપોર્ટેશન તથા સોના-ચાંદી બજારમાંથી પણ કારીગરો જતા રહ્યા છે. સોના-ચાંદી બજારમાં કામ કરતા બંગાળી કારીગરો વતન જતાં રહ્યા છે તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે કામ કરતાં મારવાડી ભાઈ-બહેનો રાજસ્થાન જતા રહ્યા છે. જેમના બાળકો અહીંયા અભ્યાસ કરે છે તેઓ કદાચ જુલાઈ-ઓગષ્ટમાં પરત ફરે એવી સંભાવનાઓ છે. પરંતુ જેમના કુટુબં વતનમાં છે એવા કારીગરો ક્યારે પરત ફરશે એ કહેવું જરા મુશ્કેલ છે. તેથી બજારો ભલે ખુલ્લા પરંત બજારોના અર્થતંત્રની ગાડી પાટે ચઢતા હજુ ઘણો સમય લાગી શકે છે.