જમ્મુ કાશ્મીરમાં નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો

File Photo
બડગામ, જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મોટું નાર્કો ટેરર મોડ્યુલ પકડાયું છે. આ સાથે જ આતંકવાદીઓને મદદ કરી રહેલા તેમના ૬ હેલ્પર્સની પણ ધરપકડ કરાઈ છે. આ લોકોની પાસેથી ૧ ચાઈનીઝ બનાવટની પિસ્તોલ, ૧ કિલોગ્રામ હેરોઈન, ૧ લાખ ૫૫ હજાર રૂપિયા કેશ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યાં છે. આ લોકોને જમ્મુ કાશ્મીર પોલીસ, ૫૦ રાષ્ટ્રીય રાયફલ અને સીઆરપીએફની ટીમોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પકડી પાડ્યા છે. આ નાર્કો ટેરર મોડ્યુલની ભાળ ગુપ્ત બાતમીના આધારે મળી હતી.
અત્રે જણાવવાનું કે ધરપકડ કરાયેલા આ લોકોના તાર પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા છે. આતંકીવાદીઓના આ ૬ હેલ્પર્સના નામ મુદસ્સિર ફૈય્યાઝ, શબીર ગની, સગીર અહેમદ, ઈશાક ભટ, અર્શિદ અને એક નામ જાણવા મળ્યું નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાર્કો ટેરર મોડ્યુલ ચલાવવા પાછળ પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનોનો હાથ છે. ડ્રગ તસ્કરી, હથિયારો મોકલવા અને પૈસા ઉપલબ્ધ કરાવવાનું કામ જૈશ એ મોહમ્મદનું છે. બડગામમાં થયેલી ધરપકડ બાદ આતંકી સંગઠનો અને આ લોકો વચ્ચેનું કનેક્શન ખબર પડી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાદૂરા પોલીસ સ્ટેશનમાં આતંકીઓના ૬ હેલ્પર્સ સામે એફઆઈઆર દાખલ કરી છે.