Western Times News

Gujarati News

ટ્રાયબલ વિસ્તારના બે ધારાસભ્યોએ શાસક અને વિપક્ષ પર કેવડીયા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો

ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુ વસાવા તથા મહેશ વસાવાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી તથા વડાપ્રધાનને પત્ર લખી શિડયુલ ૫ ના અમલ માટે માંગ કરી.

જ્યારથી સરદાર પ્રતિમા બની છે ત્યારથી કેવડિયાના લોકો પણ સરકાર દ્વારા અત્યાચાર ચાલુ કરવામાં આવ્યા છે.

(વિરલ રાણા, ભરૂચ)  ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલ કેવડીયા જમીન સંપાદન અને ફેન્સીંગ બાબતનો મુદ્દો સપાટી પર છે. કેવડિયાના મુદ્દાના કારણે રાજ્યભર નું રાજકારણ ગરમાયું છે. શાસક પક્ષ અધિકારીઓને આગળ ધરી મગનું નામ મરી પાડવા નથી માગતો જ્યારે અત્યાર સુધી નહીં દેખાયેલ કોંગ્રેસના ધારાસભ્યોને એકાએક કેવડીયા મુદ્દે ગજગ્રાહ કરી રહ્યા છે.  એ બાબતે કેટલાક ધારાસભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ભરૂચ નર્મદા અને સુરતની આદિવાસી પટ્ટી પર આદિવાસી નેતા તરીકે  છાપ ધરાવનાર ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા તથા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી કેવડીયા મુદ્દે અને શીડયુલ ૫ના અમલ મુદ્દે શાસક પક્ષ તથા વિપક્ષ કોંગ્રેસને આડે હાથે લઇ તેમની સામે આકરા પ્રહારો કર્યા છે.

છોટુ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી સરદાર પ્રતિમા બનાવી છે ત્યારથી કેવડિયાના લોકો પર અત્યાચાર ચાલુ થયા છે. કોંગ્રેસને આજે ખબર પડી કેટલા વર્ષોથી અહીં અત્યાચાર થાય છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આદિવાસીઓનું જીવન સારું બને તે માટે શિડ્યુલ ૫ના અમલ કરવાની જરૂર હતી. કોંગ્રેસ અને ભાજપ આજે શિડયુલ ૫ નું નામ પણ લેવા તૈયાર નથી. જો આદિવાસીઓનું હિત શાસક અને વિપક્ષના હૈયે હોય તો શિડયુલ ૫ નો અમલ કરે. દેશના લોકોને બચાવે બાકી આવા અત્યાચાર કરવાની જરૂર નથી. કોરોના નામે આદિવાસીઓને લૂંટવાનો એક ષડયંત્ર છે.

કેવડિયા ખાતે ૧૪૪ની કલમનો પોલીસ દ્વારા જ ભંગ કરવામાં આવે છે. ઢગલાબંધ પોલીસકર્મીઓ આદિવાસીઓના ઘર તોડવા જાય છે. જમીન ખૂંચવે છે. આદિવાસીઓએ મત આપ્યા છે સરકાર બનાવી છે અને તેને જ હેરાન કરો છો અને કાઢી મૂકવાની વાત કરે છે તે કેમ ચાલે ? આ દેશ લોકોનો છે અને તેનો નિર્ણય પણ લોકો જ કરશે એનાથી ગભરાઈને તેમણે આદિવાસીઓ પર અત્યાચાર ચાલુ કર્યા છે તે ચલાવી લેવામાં આવશે નહીં. આવનારા દિવસોની અંદર અમો મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કેવડિયાના લોકો પર થયેલ અત્યાચાર સામે આવનાર દિવસોમાં જલદ કાર્યક્રમો કરવાની સરકારને ચેતવણી આપી છે.આવી હિટલરશાહી નીતિને કદી પણ ચલાવી લેવામાં નહીં આવે. આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને બંધ કરવામાં આવે નહીંતર સમગ્ર ટ્રાઇબેલ્ટમાં આંદોલન પર ઉતરીશું તેમ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.