કોરોના વાયરસથી સંક્રમિતના અંતિમ સંસ્કાર ભીડે ન કરવા દીધા

શ્રીનગર, કોરોના વાયરસ ને લઈને લોકોમાં એટલો ડર ફેલાયો છે કે તેઓ આ વાયરસથી સંક્રમિતોના અંતિમ સંસ્કારનો પણ વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આવો જે એક મામલો સામે આવ્યો છે. અહીં કોરોના સંક્રમણથી પીડિત વૃદ્ધનું મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચેલા પરિવારના સભ્યો અને પ્રશાસનનો સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. ભીડે પથ્થરો અને લાઠી-ડંડાથી હુમલો પણ કરી દીધો. એવામાં પરિજનોને ચિતા પરથી અડધા બળેલા મૃતદેહને લઈને ત્યાંથી જીએમસી પરત ભાગવું પડ્યું.
સુત્રોના જણાવ્યા અનુસાર બાદમાં પ્રશાસનની હાજરીમાં ગોલ ગામ સ્થિત સ્મશાન ઘાટ પર નિયમો મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જોકે પ્રશાસન અને પોલીસે આવી કોઈ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો છે.
મૃતક પરિવાર મુજબ, ૭૨ વર્ષીય નિવૃત્ત શિક્ષકનું સોમવારે જીએમસી જમ્મુમાં મોત થઈ ગયું હતું. મંગળવારે એક રેવન્યૂ અધિકારી અને મેડિકલ ટીમની સાથે સવારે ૬ઃ૩૦ વાગ્યે એમ્બ્યૂલન્સમાં મૃતદેહને લઈ દોમાના વિસ્તારમાં પહોંચ્યા. એમ્બ્યૂલન્સમાં મૃતદેહની સાથે મૃતકના બે ભાઈ, પત્ની અને અન્ય કેટલાક લોકો હતા. તમામને પીપીઈ કિટ સહિત અન્ય જરૂરી સુરક્ષા સામાન આપવામાં આવ્યા હતા.
સ્મશાન ઘાટ પર જ્યારે અંતિમ સંસ્કારની પ્રક્રિયા થવા લાગી, સ્થાનિક લોકો ત્યાં એકત્ર થઈ ગયા. લોકોએ અંતિમ સંસ્કારનો વિરોધ શરૂ કરી દીધો. પરિવારનો આરોપ છે કે આ દરમિયાન કેટલાક લોકોએ તેમની સાથે સ્વાસ્થ્ય કર્મીઓ પર પથ્થરો ફેંક્યા તથા લાઠી-ડંડાનો પણ ઉપયોગ કર્યો. તેના કારેણ ચિતા પરથી મૃતદેહને પરત એમ્બ્યૂલન્સમાં મૂકીને જીઅમેસી લાવવામાં આવ્યો.
મૃતક વૃદ્ધના દીકરાએ કહ્યું કે, અમે અમારા ગૃહ જિલ્લામાં અંતિમ સંસ્કાર માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી, પરંતુ અધિકારીઓએ કહ્યું કે જ્યાં મોત થયું છે, ત્યાં જ અંતિમ સંસ્કારની તમામ વયવસ્થા કરવામાં આવશે અને અંતિમ સંસ્કારમાં કોઈ અડચણ ઊભી નહીં થાય. પરિવારનો આરોપ છે કે ઘટનાસ્થળે હાજાર સુરક્ષાકર્મીઓએ પણ તેમની કોઈ મદદ ન કરી, જ્યારે ઘટનાસ્થળે બે સુરક્ષાકર્મી તૈનાત હતા.બાદમાં ગોલ ગામમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોરોના સંક્રમિત વૃદ્ધનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.