વટવામાં ચા-પાણી કરાવવાના બહાને યુવકનું અપહરણ કરાયું

અમદાવાદ, એસજી હાઇવે પર આવેલી રમાડા હોટલ પાસેથી એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. અપહરણ કરનારે રૂપિયાની લેતીદેતી માટે બોલાવી ચા-પાણી કરવાના બહાને લઈ જઈ અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વટવામાં રહેતા મિતેશભાઈ ભાવસાર જાધપુર ચાર રસ્તા પાસે આઈટી મેનેજર તરીકે નોકરી કરતા હતા. પણ થોડા સમય પહેલા નોકરી છૂટી જતાં મિતેશભાઈ તેમના મિત્ર શેખરભાઈ થકી ઈશ્વરભાઈ નામના વ્યક્તિને મળ્યા હતા.
બાદમાં રૂપિયાની જરૂર પડતા મિતેશભાઈએ ઈશ્વરભાઈ પાસેથી ત્રણેક લાખ ઉછીના લીધા હતા. પણ નોકરી ન હોવાથી પૈસા ચૂકવી શક્યા ન હતા. તેવામાં ગઈકાલે શેખરભાઈએ મિતેશભાઈને રમાડા હોટલ મળવા બોલાવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. શેખરભાઈ કોઈ કામથી નીકળી ગયા પણ ઈશ્વરભાઈએ મિતેશભાઈને ચા-પાણી કરવાના બહાને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા. જોક, વચ્ચે ક્યાંય ગાડી ઊભી ન રાખી હતી અને મિતેશભાઈને દૂધેશ્વર કોઈ મકાનમાં લઈ ગયા હતા. ત્યાં સીડી પર બેસાડી રૂપિયાની માંગણી કરી હતી.