GSTના દરોડામાં ૧.૯૬ કરોડની ચોરી પકડાઈ-તમાકુના ૩૭ વેપારીઓના ૫૭ સ્થાનો પર દરોડા

૧.૭૦ કરોડની સ્થળ પર અધિકારીઓએ વસુલાત કરી લીધી
અમદાવાદ, લોકડાઉન ટાણે પાન મસાલા, તમાકુ અને તમાકુના ઉત્પાદનોના કાળા બજાર અને નફાખોરી કરનાર વેપારીઓ ઉપર જીએસટી ના અધિકારીઓ ત્રાટકયા હતા. રાજ્યભરના ૩૭ વેપારીઓના ૫૭ સ્થળે દરોડા પાડી રૂપિયા ૧.૯૬ કરોડની જીએસટી ચોરી શોધી કાઢવામાં આવી હતી. જે પૈકી અધિકારીઓએ દરોડા દરમિયાન ૧.૭૦ કરોડની સ્થળ પરજ વસુલાત કરી લીધી હતી. જે રીતે અધિકારીઓ દ્વારા દરોડા ની માહિતી ગુપ્ત રાખવામાં આવતી હતી તે મુજબ કરોડો રૂપિયાની કરચોરી ના હિસાબો ચાલતા હોય તેમ લાગતું હતું પરંતુ આખરે દર વખતની માફક જ જીએસટી ના અધિકારીઓ એ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો હતો.જો કે શહેરના ઘણા મોટા વ્યાપારીઓને બક્ષી દેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
અમદાવાદના ૧૩ વેપારીઓ સહિત રાજ્યના સુરત વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર કલોલ નડિયાદ વાપી સિધ્ધપુર સહિતના ૩૭ વેપારીઓના ૫૭ સ્થળે જીએસટી ના અધિકારીઓ ત્રાટકયા હતા. તપાસ દરમિયાન વેપારીઓએ રોકડમાં માલ વેચી મોટા પ્રમાણમાં જીએસટી ચોરી કરી હોવાનું સામે આવ્યો હતો.
તપાસ દરમિયાન સુરતના કમલેશ એન્ટરપ્રાઇઝ પાસેથી ૩૯.૮૮ લાખ, કલોલની જય અંબે સેલ્સ એજન્સી પાસેથી ૧૫.૫૯લાખ, વાપીના ગજાનંદ ડિસ્ટ્રિબ્યુટર્સ પાસેથી ૧૫ લાખ તથા અમદાવાદના ગિરીશ એન્ટરપ્રાઇઝ પાસેથી ૧૪.૮૧ સહિત અને વેપારીઓ પાસેથી વસુલી રકમના મળી કુલ રૂપિયા ૧.૭૦ કરોડની સ્થળ પરજ વસુલાત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી દરોડા અને તપાસની કામગીરી અંતર્ગત જે રીતે ભેદી મૌન સેવવામાં આવતું હતું તે જોતા ખૂબ જ મોટી જીએસટી ચોરી શોધી કાઢવામાં સફળતા મળી હોય તેમ લાગતું હતું પરંતુ આખરે જીએસટી ના અધિકારીઓ એ ડુંગર ખોદી ઉંદર કાઢ્યો હતો.