રામોલમાં એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ
અનલોક-૧માં ચોરીના બનાવઃ બે ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે એલાર્મ વાગી જતાં બંને પલાયન
અમદાવાદ, શહેરમાં એક પછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં બેન્ક અને એટીએમ મશીન પણ હવે તસ્કરોમાં નિશાને હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ ઓઢવમાં બેન્કમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે તસ્કરોએ રામોલમાં એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ કર્યો છે.
રામોલમાં આવેલી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે, ૨૫મી મેના વહેલી સવારે તેમની બેન્કના એટીએમનું એલાર્મ વાગી રહ્યું હોવાની જાણ થતાં જ તેઓ બેન્ક પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે એલાર્મ બંધ કરી તપાસ કરતાં એટીએમનો ફાઈબરનો દરવાજા તૂટેલો હતો. તેમજ એટીએમ મશીનનો લોખંડનો દરવાજા પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
સીસીટીવી તપાસ કરતા તેમાં બે આરોપીઓ એટીએમ મશીનનો દરવાજા તોડવાનો પ્રયાસ કરતા હોય તેવું જાવા મળ્યું છે. જાકે, એલાર્મ વાગતા જ આ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે. આમ એટીએમ મશીનમાં તોડફોડ કરી રૂપિયા ૧ લાખનું નુકસાન પહોંચાડતા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.