કોરોના વાયરસના કારણે પાકિસ્તાનના ક્રિકેટરનું મોત

પરિવારે ફટાફટ દફનવિધિ કરી નાખી
કરાંચી, પાકિસ્તાનમાં વધુ એક ક્રિકેટરનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રિયાઝ શેખ મંગળવારે દેશનો બીજા પ્રોફેશનલ ખેલાડી બન્યો જેનું સંદિગ્ધ કોરોના વાયરસની બીમારીના કારણે મોત થયું છે. રિયાઝ શેખના પરિવારે તેને જલ્દી જલ્દીમાં દફનાવી દીધો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, શેખ પરિવારે તેને દફનાવી દીધો હતો અને તેના મોતનું કારણ જાણવા માટે ડાક્ટરોની પણ રાહ જોઈ ન હતી.
રિયાઝ શેખ થોડા દિવસો પહેલા કોરાના વાયરસની ચપેટમાં આવી ગયો હતો. તે ૫૧ વર્ષનો હતો. રિયાઝે ૪૩ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૧૬ વિકેટ ઝડપી છે. ૪ વખત એક ઈનિંગ્સમાં ૫ વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૬૦ રન આપી ૮ વિકેટ હતું. સૂત્રોના મતે, પરિવારે સવારે જલ્દી-જલ્દીમાં તેને દફનાવી દીધો હતો પણ પડોશીઓને શંકા છે કે તે કોવિડ-૧૯થી સંક્રમિત હતો અને તેનો પરિવાર તે સરકારી પ્રક્રિયાઓમાંથી પસાર થવા માંગતો ન હતો, જે વાયરસના કારણે મરનાર રોગીઓ માટે તૈયાર કરવામાં આવી છે.
રિયાઝના મોત પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતીફે શોક વ્યક્ત કર્યો છે. રિયાઝ શેખ ૧૯૮૭ થી ૨૦૦૫ સુધી ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. કરાચીના આ લેગ સ્પિનરે નિવૃત્તિ પછી મોઈન ખાન ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ શીખડાવવાનું શરૂ કર્યું હતું. રિયાઝ મોઈન ખાન ક્રિકેટ એકેડમીમાં હેડ કોચના પદ પર નિયુક્ત હતો.
એપ્રિલમાં પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર સરફરાઝનું પણ કોરોનાના કારણે મોત થયું હતું. તે ૫૦ વર્ષનો હતો. સરફરાઝે ૧૫ મેચમાં ૬૧૬ રન બનાવ્યા હતા.