૧૭થી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત દર્શન કરી શકશે

સરકારની ગાઈડલાઈન અનુસાર, માત્ર ૨૦ વ્યક્તિઓને જ અગાઉથી નક્કી કર્યા મુજબ પ્રવેશ આપવામાં આવશે
વડતાલ, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે લોકડાઉન ધીમે ધીમે ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં મંદિરો પણ નિયમોને આધારે ૮ જૂનથી ખુલવાના છે. કોરોનાના કેસમાં વધારો થતા વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાંના મંદિરો ૧૭ જૂનથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં ભક્તોએ દર્શન માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે.
વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેના તાંબાના મંદિરો સાળંગપુર (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા) વિગેરે તમામ મંદિરો ૧૭ જૂન જેઠ એકાદશીના રોજ ખોલવાનો વડતાલ સંસ્થાએ નિર્ણય કર્યો છે. સરકારની ગાઈડલાઈન અનુસાર, માત્ર ૨૦ વ્યક્તિઓને જ અગાઉથી પ્રવેશ નક્કી કર્યા મુજબ આપવામાં આવશે.
કોઈપણ સત્સંગી ભાઈઓ- બહેનો માસ્ક વગર, સેનેટાઈઝ થયા વિના મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં અને જે કોઈપણ ભક્ત માસ્ક વગર દર્શન માટે આવશે તેને દર્શન કર્યા વિના જ પરત ફરવુ પડશે. સાથે જ પૂજ્ય સંતોને જય સ્વામિનારાયણ પાંચ ફૂટ દૂર રહીને જ કરવા જણાવવામાં આવ્યુ છે. સાથે જ મંદિરમાં સત્સંગી હરિભક્તો એક બીજાથી ૬ ફૂટ દૂર રહીને દર્શન કરશે અને સોશિયલ ડિસ્ટસિંગ રાખવાનું પણ જણાવવામાં આવ્યુ છે.