સીદી સમાજના યુવાનોને માર મારી તેનો વિડીયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ
ભરૂચ: ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે રહેતા સીદી સમાજ દ્વારા વેરાવળ જિલ્લાના ગીર સોમનાથ ખાતે સીદી સમાજના યુવાનોને દોરડાથી બાંધી બેરહેમીથી માર મારી તેનો વિડીયો વાયરલ કરનાર સવર્ણ જ્ઞાતિના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઝઘડિયા સીદી સમાજ દ્વારા પ્રાંત અધિકારી ઝઘડિયા ને આવેદનપત્ર પાઠવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે વસવાટ કરતા સીદી સમાજ દ્વારા ગતરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વેરાવળ જિલ્લાના ગીર સોમનાથ ખાતે સમાજના યુવાનોને દોરડાથી બાંધીને બેરહેમીથી માર મારી વીડિયો બનાવી વાયરલ કરનાર સવર્ણ જ્ઞાતિના ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવેદનપત્ર આપ્યું છે.
તેમણે આપેલા આવેદનપત્રમાં તેમણે જણાવ્યુંકે ગીર સોમનાથ ખાતે રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા સીદી સમાજના યુવાનોને સવર્ણ જ્ઞાતિના ઇસમોએ ભેગા મળી નજીવા કારણોસર દોરડાથી હાથ-પગ બાંધીને બેરહમીપૂર્વક મારી તેઓનો વિડીયો ઉતારી વાયરલ કરેલ છે અને કાયદો હાથમાં લઇ લોકડાઉન હોવા છતાં ટોળુ વળી માર મારેલ છે. જેને સીદી સમાજ રતનપુર શબ્દોમાં વખોડી કાઢે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો સમાજનો સમાવેશ અનુસૂચિત જનજાતિમાં થતો હોય આ લોકો દ્વારા સમાજને નીચો ગણીને આવું કૃત્ય કરેલ છે. જેથી સમાજમાં તેઓની બદનામી થયેલ છે. તેઓની સામે એટ્રોસિટી એક્ટ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કાયદો હાથમાં લેતા લોકોને કાયદાનું ભાન થાય તેમજ ભવિષ્યમાં સીદી સમાજ સામે આવું કૃત્ય ના કરે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. સરકાર દ્વારા જો આ બાબતે કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતનો સીદી સમાજ ગાંધીચીંઘ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.