બાળ તસ્કરીને લઈ સુપ્રીમની કેન્દ્ર-NDNAને નોટિસ
તાજેતરમાં વધેલી ઘટનાઓ પર પ્રભાવશાળી રીતે અંકુશ લગાવવા માટે યોગ્ય દિશામાં સત્વરે કાર્યવાહીની જરૂર
નવી દિલ્હી, દેશવ્યાપી લોકડાઉન દરમિયાન બાળ તસ્કરીની ઘટનાઓમાં વૃધારો થવાના મામલે સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ થવા પામી છે. જેને લઈ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA)ને નોટીસ જારી કરીને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્ના અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રોયની ખંડપીઠે નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની બિનસરકારી સંસ્થા બચપન બચાવો આંદોલનની રીટ પર સુનાવણી કરતા નોટીસ જારી કરી છે.
સુનાવણી દરમિયાન એનજીઓના વકીલે દલીલ કરી હતી કે તમામ જિલ્લા અધિકારીઓને તાજેતરમાં જ વધેલી આ પ્રકારની ઘટનાઓ પર પ્રભાવશાળી રીતે અંકુશ લગાવવા માટે યોગ્ય દિશામાં સત્વરે કાર્યવાહી કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું, શ્રી ફૂલકાએ કેસની ગંભીરતાને ધ્યાને લઈ તેની સુનાવણી બે સપ્તાહની અંદર કરવાનો અનુરોધ કોર્ટ સમક્ષ કર્યો હતો. જેનો બેન્ચે સ્વીકાર કર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિએ રીટકર્તાને કોઈ પ્રલાણી બતાવવા માટે પણ કહ્યું, જેનાથી બાળ તસ્કરીના બજાર પર નિયંત્રણ કરી શકાય અને ઠેકેદારોને બાળ મજૂરો પાસેથી મજૂરી કરાવતા રોકી શકાય.
સર્વોચ્ચ અદાલતે સરકાર તરફે ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યુ કે સરકારે બાળ તસ્કરીને રોકવા માટે વ્યાપક પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત રીટકર્તાના વકીલે જણાવ્યું કે લોકડાઉનના કારણે મોટીસંખ્યામાં બાળ મજૂરો પોતાના વતન પરત આવી ગયા છે. તેને લઈ સાંપ્રત સમય ખુબ જ અનુકૂળ છે. આ બાળ મજૂરોને ફરીથી બહાર જતા રોકીને આ બદીને ડામી શકાય તેમ છે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલે સરકાર રીટકર્તાની સાથે બેસીને એક યોજના તૈયાર કરી શકે છે.