Western Times News

Gujarati News

૮ કરોડ પૈકી ૨૦.૨૬ લાખ શ્રમિકોને મફત અનાજ મળ્યું

પ્રતિકાત્મક

પીએમજીકેવાઇ હેઠળ, તમામ રાજ્યોએ એપ્રિલમાં મફત અનાજ વિતરણમાં ૯૨.૪૫ ટકા કવરેજ હાંસલ કર્યું
નવી દિલ્હી,  દેશની તમામ રાજ્ય સરકારો હજુ સુધી ફક્ત ૨૦.૩૬ લાખ પ્રવાસી શ્રમિકોને જ મફ્‌ત અનાજ આપી શકી છે. જોકે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે રેશન કાર્ડ નહીં રાખનાર ૮ કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરેલાં આંકડાથી આ વાત બહાર આવી છે. કેન્દ્રની ભાજપ સરકારે કોરોના વાયરસ મહામારીના કારણે કોઈ પણ પ્રવાસી શ્રમિક ભૂખો રહે નહીં એ સુનિશ્ચિત કરવા માટે ૧૪ મેથી મફત અનાજ યોજના જાહેર કરી હતી. આ અંતર્ગત રેશન કાર્ડ ન હોય તેવા પ્રવાસી મજૂરોના પ્રત્યેક વ્યક્તિને પાંચ કિલોગ્રામ મફત ખાદ્યાન્ન અને પ્રતિ પરિવાર એક કિલોગ્રામ ચણા આપવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત નાણાંમંત્રી નિર્મલા સીતારમને જાહેર કરેલા ૨૦ લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજનો હિસ્સો હતો. આ યોજના હેઠળ ૮ કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ૪.૪૨ લાખ ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડ્‌યો છે. અને ૨૦.૨૬ લાખ લાભાર્થીઓને ૧૦૧૩૧ ટન ખાદ્યાન્નનું વિતરણ કરવામાં આવ્યું છે. આંકડાના વિશ્લેષણથી ખબર પડે છે કે મફત અનાજ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા કુલ લક્ષ્યની ફક્ત ૨.૨૫ ટકા જ છે. પ્રવાસી શ્રમિકોને મફત ખાદ્યાન્ન વિતરણ માટે રાજ્યોએ અલગ-અલગ મોડલ અપનાવ્યા છે.

કેટલાક રાજ્ય અનાજની સાથે ભોજન વિતરણ કરે છે, જ્યારે કેટલાક રાજ્યો ભોજન કૂપન આપી રહ્યા છે. ચણાના મફત વિતરણ મામલે કેન્દ્ર સરકારના મંત્રાલયે કહ્યું કે, તેમણે ૧.૯૬ કરોડ પ્રવાસી પરિવારોને બે મહિનાના વિતરણ માટે ૩૯ હજાર ટન દાળની મંજૂરી આપી છે. લગભગ ૨૮૩૦૬ ટન ચણા અને ચણાની દાલ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલી આપી છે.

આ પૈકી ૧૫૪૧૩ ટન જથ્થો ઉપાડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ૬૩૧ ટન ચણાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ રીતે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના(પીએમજીકેવાઇ) હેઠળ, રાજ્યોએ એપ્રિલમાં મફત અનાજ વિતરણમાં ૯૨.૪૫ ટકા કવરેજ હાંસલ કર્યું છે. મે મહિનામાં ૮૭.૩૩ ટકા, જ્યારે જૂન મહિનામાં હમણાં સુધી ૧૭.૪૭ ટકા કવરેજ કર્યું છે. રાજ્યોએ હમણાં સુધી ૧૦૫.૧૦ લાખ ટન અનાજનો જથ્થો ઉપાડ્‌યો છે. એમાં એપ્રિલ મહિનામાં ૩૬.૯૮ ટકા, મે મહિનામાં ૩૪.૯૩ ટકા અને જૂન મહિનામાં ૬.૯૯ લાખ ટન અનાજનો ઉપાડેલો જથ્થો સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.