Western Times News

Gujarati News

લોકડાઉન-કોરોનાના બેવડા માર વચ્ચે પેટ્રોલ, ડિઝલની કિંમતોમાં વધારો

Files Photo

ટ્રાફિક વધવા સાથે પેટ્રોલ, ડિઝલની કિંમતોમાં વધારો
દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલમાં ૧૬મી માર્ચે ફેરફાર જોવા મળ્યો હતોઃ વેટ-સેસ વધારવામાં આવતા વધારો
નવી દિલ્હી,  કોરોનાની બીમારી અને તેના પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં આર્થિક રીતે આમ જનતા પરેશાન છે ત્યારે કેન્દ્ર સરકારે તેના ખિસ્સા પર વધુ કાતર મૂકી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૦ પૈસા વધારી દીધા છે આ વધારાને પગલે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૭૨.૪૬ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૬૯.૯૯ થયા છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૭૮.૯૧ રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૬૮.૭૯, ચેન્નઈમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૭૬.૦૭ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૬૮.૭૪, કોલકાતામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૭૩.૮૯ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૬૬.૧૭ થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલની કિંમતો જે રીતે ઘટી છે તે જોતાં તેનો ફાયદો ઉપાડવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલની ઉત્પાદ કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો અને બાદમાં આ ફેરફાર અટકાવ્યા હતા કારણકે પેટ્રોલ ડિઝલની માગમાં વધારો અટક્યો હતો. જૂનથી લાકડાઉનમાં છૂટછાટો મળતાં રસ્તા પર ટ્રાફિકની અવર-જવર શરૂ થઈ ગઈ છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલની ડિમાન્ડ વધે તે સ્વાભાવિક છે.

દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલમાં ૧૬મી માર્ચે ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારથી લઈને રવિવાર સુધી વિવિધ રાજ્ય સરકારો દ્વારા વેટ અથવા સેસ વધારવામાં આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા એકંદરે વૈશ્વિક પુરવઠાના ૧૦ ટકા જેટલો કાપ મૂકાશે. ક્રૂડના ઉત્પાદનમાં કાપને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા છે. આ વર્ષે એપ્રિલમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૨૦ ડોલર સુધી ગગડી ગયો હતો, પણ હવે પેટ્રોલ ડીઝલનાં ભાવ વધે તેવી પુરી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.