જયપુરમાં એક ઘરમાંથી ૨૬ કોરોના પોઝિટિવ કેસ મળ્યા

જયપુર, રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મંગળવારે જયપુરમાં સુભાષ ચોક વિસ્તારમાં એક જ પરિવારમાંથી ૨૬ પોઝિટિવ કેસ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. સુભાષચોક વિસ્તારમાં આવેલા ચાણક્ય માર્ગ પર સ્થિત એક મકાનમાં આવેલા પોઝિટિવ લોકો ભાડેથી રહેતા હતા. CMHO પ્રમુખ ડા.નરોત્તમ શર્મા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને દરેક વ્યક્તિઓને સવાઈ માનસિંહ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.
રાજ્યમાં સવારે ૯ વાગ્યા સુધી છેલ્લા ૧૨ કલાકમાં ૧૪૪ નવા પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં અને ૫ લોકોના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર મંગળવારે ૧૪૪ નવા કેસ મળી આવ્યા છે જે સૌથી વધારે જયપુરના છે. ૧૪૪ કેસમાંથી ૬૧ પોઝિટિવ કેસ માત્ર જયપુરના છે.
આ સિવાય ભરતપુરમાં ૩૦, અલવરમાં ૧૧, જોધપુરમાં ૮, ચુરૂમાં ૭, કોટામાં ૬, સીકરમાં ૫, બાડમેરમાં ૪, દોસામાં ૩, જાલોર માં ૨, ઝાલાવાડમાં ૨, બિકાનેરમાં ૧, ડુંગરપુર થી ૧, સવાઈ માધોપુરથી ૧, ગંગા નગર થી એક તથા અન્ય રાજ્યોમાંથી પણ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આજે વધારા બાદ રાજ્યમાં આંકડો ૧૧ હજારને પાર પહોંચી ગયો છે.