નિરવની ૧૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા આદેશ
મુંબઇ, પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં એક ખાસ કોર્ટે ભાગેડુ જાહેર કરાયેલા હીરા વેપારી નીરવ મોદીની આશરે શ્ ૧,૪૦૦ કરોડની સંપત્તિને જપ્ત કરી લેવાનો આદેશ કર્યો છે. કોર્ટે ભાગેડુ આર્થિક ગુના કાયદો (એફઇઓએ)ની કલમો હેઠળ આદેશ જારી કર્યો છે. એફઇઓએ નિયમમાં આવ્યા બાદ બે વર્ષ બાદ દેશમાં પહેલી વખત આ કાયદા હેઠળ કોઇની સંપત્તિને જપ્ત કરી દેવાનો આદેશ કરાયો છે.
ખાસ કોર્ટના જસ્ટિસ વી સી બારડેએ ઇડીને મોદીની પીએનબી પાસે ગીરો ન મુકાયેલી હોય તેવી સંપત્તિઓને જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો છે. આ પ્રક્રિયા એક મહિનાની અંદર પૂરી કરી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પીએનબી પાસેથી શ્ ૧૩,૬૦૦ કરોડના ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી નીરવ મોદીને ડિસેમ્બર ૨૦૧૯માં ઇડીની અરજી પર ખાસ કોર્ટે ભાગેડુને આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. નિરવ મોદી આશરે બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ છે. અગાઉ બ્રિટનની કોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે સુનાવણી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી હતી. હવે આ કેસમાં સાત સપ્ટેમ્બરથી ફરી સુનાવણી શરૂ થશે.