કોરોનાગ્રસ્ત સભ્યો ૧૯ જૂને કેવી રીતે મતદાન કરશે?
ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત હોઈ તેમને મતદાનના દિવસે એક-બે કલાક ફાળવાય એવી શક્યતા
અમદાવાદ, ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો માટે ૧૯ જૂને મતદાન થશે. ત્યારે ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરશે તે અંગે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ છે. ભાજપના ત્રણ ધારાસભ્યો ક્વોરન્ટાઈન હેઠળ છે. ૧૯ જૂને કેવી રીતે મતદાન કરી શકાય તે અંગે કેન્દ્રિય ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કોઈ ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થાય તો શું કરવું તે અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન પછી અંતિમ નિર્ણય લેવાશે. ભાજપના જગદીશ પંચાલ, બલરામ થવાણી, કિશોર ચૌહાણ હાલ ક્વોરન્ટાઈન હેઠળ છે. કોરોનાની ઝપેટમાં આવેલા ભાજપના ત્રણ ધારાસભ્યો તા.૧૯ જૂને યોજાનારી રાજ્યસભાની ખાલી પડેલી ૪ બેઠકો માટે યોજાનારી ચૂંટણી દરમિયાન મતદાન કરી શકે તે હેતુસર ચૂંટણી પંચે યોજના તૈયાર કરી છે.
આ ચૂંટણીમાં મતદાન વેળા અન્ય ધારાસભ્યો કે અન્ય વ્યક્તિને કોરોનાનો ચેપ ન લાગે અથવા અન્ય પ્રકારે કોઈ હાનિ ન પહોંચે તે પ્રકારે તેઓ મતદાન કરે તેવી યોજના ઘડી છે. બીજેપીના આ ત્રણ ધારાસભ્યોને મતદાનના દિવસે છેલ્લા એક અથવા બે કલાક ફાળવાય તેવી શક્યતા છે. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ હવે કોવિડની સારવારથી સ્વસ્થ થયા છે, જ્યારે નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી યુ.એન.મહેતામાં દાખલ છે અને વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ હોમ ક્વોરન્ટાઈન છે.
જણાવી દઈએ કે, રાજ્યસભાની ૪ બેઠકો માટે ૧૯ જૂને મતદાન થશે. રાજ્યસભાની ૪ બેઠકો માટે બીજેપીએ ૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ૨ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. બીજેપી તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનને રાજ્યસભામાં પહોંચવા માટે ફોર્મ ભર્યા છે. જ્યારે કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને રાજ્યસભામાં પહોંચાડવા માંગે છે.