Western Times News

Gujarati News

અમદાવાદમાં રૂ. ૬ કરોડના નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન સંપન્ન

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

  • ગુજરાત જીવો-જીવવા દો-જીવાડોના મંત્ર સાથે ગૌવંશ હત્યા સામે કડક કાયદો-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- જીવીત પશુઓની નિકાસ પર પ્રતિબંધ – દુકાળમાં અબોલ પશુજીવો માટે ૧૩ કરોડ કિલો ઘાસ જેવા અનેક આયામોથી સૌને અભયદાન દ્વારા દેશનું રોલ મોડેલ બન્યુ છે
  • ગાંધી – સરદાર – હેમચંદ્રાચાર્ય-નર્મદના ગુજરાતને સદાચારી – સમૃધ્ધ- સશકત ગુજરાત જનસહયોગથી બનાવવું છે
  • આધ્યાત્મિક ચેતના કેન્દ્ર સમાન સમાજ ભવનો ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે. મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા.  તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ સામાજિક અને આધ્યાત્મિક ચેતના જગાવવાને જે યજ્ઞ આદર્યો છે તેને આ ભવનનની ગતિવિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકોની આધ્યાત્મિક ચેતનાને ઉર્ધ્વગામી દિશા આપતા તપ, આરાધના, પૂદગલ, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન જેવા આયામોથી સમાજ સમસ્તમાં જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માની ભાવના પ્રજવલિત રહે છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાત અહિંસા, સદાચાર અને જીવદયા, સૌને અભયદાન જેવા કાર્યક્રમોથી ભારતનું રોલ મોડેલ બન્યું છે.  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં જીવ માત્રની રક્ષા માટે આપણે સંપૂર્ણ પ્રતિબધ્ધતા દાખવીને ગૌવંશ હત્યા સામે કડક કાયદો બનાવ્યો છે. જીવીત પશુઓની નિકાસ કરનારાઓ સામે પણ સખ્તાઇથી પેશ આવી રૂક જાવનો આદેશ આપ્યો છે.

તેમણે ગુજરાતમાં અબોલ પશુજીવો-પક્ષીઓની સારવાર સુશ્રુષા માટે તમામ જિલ્લામાં કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર, મકરસંક્રાંતિએ કરૂણા અભિયાન અન્વયે ઘાયલ પક્ષીઓને બચાવવાના પગલાંઓ દ્વારા જીવો અને જીવવા દો સાથે જીવાડોની પણ સંવેદના તેમની સરકારે દાખવી છે તેની છણાવટ કરી હતી. રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી તહેત રપ૦ કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ૦ કિ.મી.ના કામો વેગવાન બનાવવાની ભૂમિકા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ અન્ય માટે સમર્પિત થવાના-સમાજને કાંઇ આપવાના અને અહિંસા-સદાચારના મહાવીર સ્વામીના સિધ્ધાંતોને અનુસરીને ગાંધી-સરદાર-હેમચંન્દ્રાચાર્ય, નર્મદના ગુજરાતને વધુ સમૃધ્ધ-સશકત શકિતશાળી સમાજ સહયોગથી બનાવવાની નેમ દર્શાવી હતી.

તેમણે પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાના ન્યૂ ઇન્ડીયાને સાકાર તીર્થંકરોના આશીર્વાદથી નવા માનબિંદુઓનો ઉદય કરવા માટે સૌ જૈન ધર્મપ્રેમીઓને પ્રેરણા આપી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણીનિધિમાં તેરાપંથ સમાજે રૂ. પ લાખના ફાળાનો ચેક અર્પણ કર્યો હતો. સમાજના અધ્યક્ષ નાનાલાલ કોઠારીજીએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. પ્રધાન ટ્રસ્ટી શ્રી સજનલાલજીએ ભવનના નિર્માણનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

તેરાપંથ-જૈન સમાજના વિવિધ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન-અભિવાદન કહ્યું હતું.આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, અસારવાના ધારાસભ્ય શ્રી પ્રદીપભાઇ, પૂર્વ મંત્રી શ્રી ભરતભાઇ બારોટ, જૈન સાધ્વી શ્રી સત્યપ્રભાજી સહિત સાધ્વી ગણ, જૈન સમુદાયના સૌ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.