નારણપુરાના મહિલા કોર્પોરેટર કોરોના પોઝિટિવ: તુલસી વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી
કોર્પોરેટરના પતિ અને પુત્ર પણ સંક્રમિત
અમદાવાદમાં કોરોના ના કહેર વધી રહ્યો છે. શહેર ના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોના ની ઝપટમાં આવી ગયા છે. નારણપુરા ના મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર ના સભ્યો પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે મેયર બીજલબેન પટેલે યોજેલ તુલસી રોપા કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટરે હાજરી આપી હતી.
મ્યુનિસિપલ કોંગ્રેસના પૂર્વ નેતા અને કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોરોના દરમ્યાન ઘરમાં લોકડાઉન થયેલા તેમજ નાગરિકો ની દરકાર ન કરનાર મેયરે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમજ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરીને નાગરિકો અને તેમના જ પક્ષના કોર્પોરેટરને જોખમમાં મૂક્યા છે કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યક્રમ નો વિરોધ કર્યો હતો તેમ છતાં તેને રદ કરવામાં આવ્યો નહતો. જેના પરિણામ જોવા મળી રહ્યા છે.નારણપુરા ભાજપના કોર્પોરેટર અને તેમના પરિવાર ના સભ્યો જલ્દીથી સાજા થઈ જાય તેવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ નારણપુરા વૉર્ડ ના ભાજપ કોર્પોરેટર સાધનાબેનને કોરોના નો ચેપ લાગ્યો છે. તેમની સાથે પરિવાર ના બે સભ્યો પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. સાધનાબેન , તેમના પુત્ર અને પતિ ને નારણપુરા સ્થિત સોલાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સૂત્રોએ જણાવ્યા મુજબ નારણપુરા વૉર્ડ ના મંગલમુર્તિ એપાર્ટમેન્ટ ને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
તેમ છતાં મેયર બીજલબેન પટેલે મંગલમુર્તિ એપાર્ટમેન્ટ માં જ તુલસી રોપા વિતરણ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. સ્થાનિક કોર્પોરેટર હોવાથી સાધનાબેને પણ કાર્યક્રમ હાજરી આપી હતી. મેયર ના આ કાર્યક્રમ ની આકરી ટીકા પણ થઈ હતી. અગાઉ, લોકડાઉન દરમ્યાન મેંગો ફેસ્ટિવલ ના આયોજન મુદ્દે પણ વિવાદ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ના ધારાસભ્યો અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં સંક્રમણ નો ભોગ બન્યા છે. ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા , બલરામ થવાની અને કિશોર ચૌહાણ તેમજ કોંગ્રેસના ઈમરાન ખેડાવાળા સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના કોર્પોરેટર રમેશ પટેલ, ગયાપ્રસાદ કનોજીયા, જ્યોત્સના બેન પટેલ, પ્રીતિબેન ભરવાડ કોરોના ની ઝપટમાં આવી ચુક્યા છે. જયારે મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશભાઇ શર્મા, કોર્પોરેટર કમળાબેન ચાવડા તેમજ યશવંત યોગી ને પણ ચેપ લાગ્યો હતો જયારે બહેરામપુરા ના કોંગી કોર્પોરેટર બદરુદ્દીન શેખ નું કોરોનાની સારવાર દરમ્યાન અવસાન થયું હતું.