પાંજરાપોળ પાસે સિક્યુરિટી ગાર્ડ પાસેથી ૩૧ હજાર પડાવી લીધા
રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું
અમદાવાદ, લોકડાઉન ખુલ્યા બાદ હવે તસ્કરો, લૂંટારુઓ, ચીટરો પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને સહુ કોઈએ ચેતવાની જરૂર છે. એક વ્યક્તિ બેન્કમાં નાણાં ભરવા જતા હતા ત્યારે બે ગઠિયાઓ આવ્યા અને પર્સ તેમણે લીધું છે તેમ કહી ખિસ્સા તપાસવાનું કહીને ૩૧ હજાર પડાવી લીધા હતા. ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું જરૂરી બન્યું છે નહીં તો લોકો આવી ઘટના ભોગ બનતા રહેશે.
બનાવની વિગત એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશ ના અને હાલ અમદાવાદ આઈ.આઈ.એમ રોડ પર રહેતા ગોલુપ્રસાદ પાંડે અહીં જ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગત ૧૦ મી એ તેઓ ચાલતા ચાલતા બેન્કમાં નાણાં ભરવા જતા હતા. ત્યારે પાંજરાપોળ પાસે લાલ એક્ટિવા પર બે લોકો આવ્યા હતા. આ શખસોએ ગોલુપ્રસાદ ને ‘આપ કહા સે આ રહે હો મેરા પાકિટ મિલા હે’ કહીને વાતચીત શરૂ કરી હતી.
બાદમાં પર્સ બાબતે ગોલુપ્રસાદ ન જાણતા હોવાનું કહેતા આ શખશો એ તેમનું પર્સ તપાસવાનું કહીને તેમાંથી નીકળતા ૩૧ હજાર લઈ લીધા અને આગળ તપાસ કરીને આવશે તેમ કહી ફરાર થઈ ગયા હતા. બાદમાં પોતે છેતરાયાં હોવાનું માલૂમ થતા તેમને પોલીસને જાણ કરી હતી. એલિસબ્રિજ પોલીસે આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.