ભાઈપુરા વાર્ડના BJPના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજીયાનું SVPમાં મૃત્યુ
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. શહેરના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ, કોર્પોરેટર અને ધારાસભ્યો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખના અવસાન બાદ ૧૪ જૂન રવિવારે મોડી સાંજે ભાજપના કોર્પોરેટરનું પણ દુઃખદ અવસાન થયું છે.
ભાઈપુરા વાર્ડના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજીયાનું એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન રવિવારે મૃત્યુ થયું છે. લોકડાઉન દરમ્યાન જનસેવા કરતા તેઓ સંક્રમણની ભોગ બન્યાં હતા. તેમના બે સગા ભાઈના પણ કોરોના ના કારણે મૃત્યુ થયા છે.તેમના પરિવાર માં કોરોના ના કારણે આ ત્રીજું મૃત્યુ છે. જયારે ગયાપ્રસાદ કનોજીયા ના ભત્રીજા ની સ્થિતિ પણ નાજુક છે. તેઓ પણ એસ.વી.પી માં સારવાર લઈ રહ્યા છે. કોરોના ના કારણે બદરુદ્દીન શેખ બાદ મનપા એ બીજા જનસેવક ગુમાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમ્યાન નારણપુરા વાર્ડના ભાજપ કોર્પોરેટર સાધનાબેન ને કોરોના નો ચેપ લાગ્યો છે. તેમની સાથે પરિવાર ના બે સભ્યો પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. સરસપુરના પૂર્વ કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ અને કુબેરનગરના પૂર્વ કોર્પોરેટર રાજુ ગોલાની ને પણ ચેપ લાગ્યો છે. જયારે મકતમપુરા ના કોંગી કોર્પોરેટર હાજીભાઈનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
શહેરના ધારાસભ્યો અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં સંક્રમણ નો ભોગ બન્યા છે. ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા , બલરામ થવાની અને કિશોર ચૌહાણ તેમજ કોંગ્રેસના ઈમરાન ખેડાવાળા સંક્રમિત થઈ ચૂક્યા છે. ભાજપના કોર્પોરેટર રમેશ પટેલ, ગયાપ્રસાદ કનોજીયા, જ્યોત્સના બેન પટેલ, પ્રીતિબેન ભરવાડ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. જયારે મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશભાઇ શર્મા, કોર્પોરેટર કમળાબેન ચાવડા તેમજ યશવંત યોગી ને પણ ચેપ લાગ્યો હતો.