ડેડબોડી ઉપાડવાના સ્ટ્રેચર બેરર પણ ઓછા પડી રહ્યા છે
અમદાવાદ:અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ થી રોજ રપ થી ૩૦ લોકોના મોત થઈ રહ્યા છે. આ ઉપરાંત અન્ય કારણોથી પણ મોત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ડેડબોડી વાન સામે ૧૧ ડેડબોડી કાર્યરત છે. પાંચ મેઇન્ટેનન્સ હેઠળ છે. સ્ટ્રેચર બેરરની કુલ ૧૮ જગ્યા સામે સાત જગ્યા ખાલી છે. ૧૧ સ્ટ્રેચર બેરર પૈકી ચારથી પાંચ સ્ટ્રેચર બેરર માંદગીના કારણોસર રજા પર છે. માત્ર પાંચ કે છ સ્ટ્રેચર બેરરની મદદથી અમદાવાદમાં થતાં મોત બાદ ડેડબોડી ઉપાડી સ્મશાન કે કબ્રસ્તાન સુધી પહોંચતા કરાતા હોઈ ડેડબોડી ઉપાડવા માટે હવે સ્ટ્રેચર બેરર પણ ઓછા પડી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ફાયર વિભાગ પાસે હાલની પરિસ્થિતિમાં કુલ ૧૬ ડેડીબોડી વાન કાગળ પર છે આ ડેડબોડી વાન પૈકી પાંચ ડેડબોડી વાન અંડર મેઈન્ટેનન્સ હેઠળ એટલે કે રીપેરીંગ હેઠળ છે. ૧૧ ડેડબોડીવાન પૈકી પાંચ ડેડબોડી વાન માત્ર કોવિડથી અમદાવાદમાં જે મોત થાય છે તેના માટે રીઝર્વ રાખવામાં આવી છે. અન્ય કારણોથી થતા મોત માટે બાકીની છ ડેડબોડી વાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ડેડબોડીવાન સાથે સ્ટ્રેચર બેરર રાખવામાં આવે છે. ફાયર વિભાગના સ્ટ્રેચર બેરરની કુલ ૧૮ જગ્યાઓ છે. આ ૧૮ જગ્યાઓમાંથી સાત જગ્યા ખાલી છે. બાકી રહેતા ૧૧ સ્ટ્રેચર બેરરમાથી રોજ ચારથી પાંચ બિમારી કે અન્ય કારણોસર રજા ઉપર હોય છે. આમ, પાંચ કે છ સ્ટ્રેચર બેરર અને ૧૧ ડેડબોડીવાન દ્વારા અમદાવાદમાં રોજ થતાં ૩૦થી વધુના મોત બાદ ડેડબોડીને સ્મશાન કે કબ્રસ્તાન સુધી પહોંચાડવામાં આવે અને તેના અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી બે કલાક તો ક્યારેક ત્રણ કલાક સુધી રોકાયેલી રહેતી હોઈ અમદાવાદમાં ડેડબોડીવાનની સાથે ડેડબોડી ઉપાડવાવાળા સ્ટ્રેચર બેરર પણ હવે ઓછા પડી રહ્યા છે.